Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

હવે ઠંડીનું જોર વધશેઃ પારો ૧૫ ડીગ્રીની નીચે પટકાશે

ઉત્તર ભારતમાં કોલ્ડવેવની અસરથી ઠંડીમાં વધારો થશેઃ એન.ડી. ઉકાણી : આગામી ૨૪ નવેમ્બર સુધીમાં દિવસનું તાપમાન ૨૮ ડીગ્રીની નીચે લઘુત્તમ તાપમાન ૧૫ ડીગ્રીની નીચે જોવા મળશેઃ ૨૧મીએ જમ્મુ-કાશ્મીરમાં ફરી બરફવર્ષા થશેઃ રવિ પાક વાવેતર માટે સારો સમય

રાજકોટ, તા. ૧૯ :.  દિવાળીના તહેવાર પૂર્ણ થયા છે. હવે ઠંડીના દિવસો આવી રહ્યા છે. ધીમે ધીમે ઠંડીનું જોર વધતુ જશે. આગામી ૨૪મી સુધીમાં દિવસ દરમ્યાન પણ ઠંડીનો અહેસાસ થશે.

હવામાન ખાતાના પૂર્વ અધિકારી શ્રી એન.ડી. ઉકાણીએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે ઉત્તર ભારતમાં કોલ્ડવેવની અસરથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીની અસર જોવા મળશે. ૨૪મી સુધીમાં દિવસનું તાપમાન ૨૮ ડીગ્રી અને લઘુતમ તાપમાન ૧૫ ડીગ્રીની નીચે આવી જશે. ૨૧મીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી જમ્મુ-કાશ્મીરમાં ફરી બરફવર્ષા થશે. જો કે તે ગત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કરતા વધુ મજબૂત હશે નહીં.

આ ઉપરાંત લક્ષદ્વીપ પાસે એક હવાનું હળવુ દબાણ સર્જાયુ છે જે ઓમાનની ખાડી તરફ ગતિ કરશે. જ્યારે ૨૮મીએ એક બીજુ હવાનું હળવુ દબાણ શ્રીલંકા નજીક બનશે. જેની અસરથી દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદ ખાબકશે.

અત્રે નોંધનીય છે કે દિવાળીના દિવસોથી ઠંડીની આહલાદક અસર જોવા મળી રહી છે. વહેલી સવારે અને સાંજના સમયથી ઠંડા પવન ફુંકાતા ઠંડીની અસર વર્તાઈ રહી છે. આમ હવે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ખાસ કરીને ડીસેમ્બર અને જાન્યુઆરીમાં કોલ્ડવેવ જોવા મળતો હોય છે.

(10:41 am IST)