Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

શાહીબાગ સ્થિત BAPS મંદિર ૩૦મી સુધી બંધ રહેશે

હરિભક્તોને કોરોનાની ગાઇડલાઇન પાળવા અપીલ : બીએપીએસ મંદિર સાથે તમામ સંસ્કારધામ પણ સોમવાર સુધી દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો

અમદાવાદ,તા.૧૯ : અમદાવાદ સહિત રાજ્યભરમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે. ત્યારે શાહીબાગ સ્થિત બીએપીએસ મંદિર ૩૦ નવેમ્બર, સોમવાર સુધી બંધ રાખવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. બીએપીએસ મંદિર સાથે તમામ સંસ્કારધામ પણ સોમવાર સુધી દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીએપીએસ શાહીબાગ મંદિરના કોઠારી સ્વામી સાધુ આત્માકીર્તિદાસે તમામ હરિભક્તોને કોરોના વાઇરસની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા માટે અપીલ કરી છે.

મંદિર બંધ હોવાને કારણે હરિભક્તો આજે સવારથી બહારથી દર્શન કરી રહ્યા છે. અંગે  હરિભક્તોએ જણાવ્યું કે, મંદિર દ્વારા જે નિર્ણય લેવાયો છે તે લોકોના હિતમાં લેવાયો છે, જે સારો છે. શ્રદ્ધા હોય તો બહાર ઉભા રહીને પણ ભગવાનના દર્શન થઇ શકે છે. અમે સ્વામીજીનાં નિર્ણયને માથે ચઢાવીએ છીએ. નોંધનીય છે કે, દિવાળી પર્વ નિમિત્તે, અમદાવાદના શાહીબાગમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં, ભગવાન સ્વામિનારાયણને અન્નકુટ ધરાવાયો હતો. કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે મંદિરમાં ભક્તો, સંત્સગીઓ અને દર્શનાર્થીઓ માટે કોવીડ ૧૯ના દિશા નિર્દેશના પાલન સાથે દર્શન કરવા દેવાયા હતા.

દર વર્ષે દિવાળીમાં અનેક વાનગીઓને અન્નકુટ ધરાવવામાં આવે છે. પરંતુ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને રાખીને, ભગવાન સ્વામિનારાયણને ૭૦ વાનગીઓનો અન્નકુટ ધરાવાયો હતો. દિવાળી નિમિત્તે દેશ વિદેશના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ઠાકોરજી સમક્ષ ગોવર્ધન પૂજા સહિતની વિશેષ પૂજા પણ કરવામાં આવી હતી.

(7:38 pm IST)