Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

અમદાવાદથી સૌરાષ્‍ટ્રના જુદા જુદા વિસ્‍તારોમાં મતદાન કરવા જવા ૫૦૦ લક્‍ઝરી બસ બુક

ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં : શહેરમાં વસતાં સૌરાષ્‍ટ્રવાસીઓ માટે નેતાઓ દ્વારા ‘વિશેષ' સુવિધાઃ સૌથી વધુ અમરેલી, જૂનાગઢ અને ભાવનગર જિલ્લા માટે ખાનગી વાહનો બુક કરાયા છેઃ તમામ લોકોને રસ્‍તામાં નાસ્‍તો, જમવાનું અને રોકાણની સહિતની વ્‍યવસ્‍થા

નવી દિલ્‍હી, તા.૧૯: સૌરાષ્‍ટ્રમાં આગામી તા.૧લીએ મતદાન થનાર છે. ત્‍યારે અમદાવાદમાં વસતાં સૌરાષ્‍ટ્રવાસીઓને પોતાના વતનમાં મતદાન કરવા લઈ જવા માટે અંદાજે ૫૦૦ જેટલી લક્‍ઝરી બસો બુક કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ અમરેલી જિલ્લા માટે અને ત્‍યારબાદ જૂનાગઢ, ભાવનગર જિલ્લા માટે વાહનો બુક થયા છે.

સૌરાષ્‍ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી અમદાવાદમાં સ્‍થાયી થયેલા હજારો લોકોનો મતાધિકાર તેમના વતનના ગામમાં બોલતો હોય છે. આથી જ્‍યારે- જ્‍યારે ચૂંટણી આવે ત્‍યારે દરેક રાજકીય પક્ષ પોતાના ખર્ચે આ મતદારોને તેમના વતનમાં લઈ જાય છે અને મતદાન કરાવે છે. આ વખતે વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. સૌરાષ્‍ટ્રમાં મતદાન -થમ તબક્કામાં છે. પ્રથમ તબક્કો ૧ ડિસેમ્‍બરના રોજ છે. આથી અમદાવાદમાં રહેતા સૌરાષ્‍ટ્રવાસીઓને તેમના વતનમાં લઈ જઈને મતદાન કરાવવા અંદાજે ૫૦૦ જેટલી લક્‍ઝરી બસો બુક કરવામાં આવી છે. અમદાવાદના પૂર્વમાં નિકોલ, નરોડા, કળષ્‍ણનગર, બાપુનગર, ઈન્‍ડિયા કોલોની, વષાાલ, ઓઢવ, ઠક્કરબાપાનગર જેવા વિસ્‍તારમાં સૌરાષ્‍ટ્રવાસીઓની સંખ્‍યા નોંધપાત્ર છે. જ્‍યારે શહેરના એ સિવાયના વિસ્‍તારોમાં પણ સૌરાષ્‍ટ્રવાસીઓની સંખ્‍યા છુટીછવાઈ છે. આ તમામને ૧ ડિસેમ્‍બરે મતદાન કરાવવા લઈ જવા માટે રાજકીય પક્ષોના બિનસત્તાવાર ફંડમાંથી લક્‍ઝરી બસો ભાડે કરવામાં આવી છે.

સૌથી વધુ બસો અમરેલી જિલ્લા માટે બુક થઈ છે. ત્‍યારબાદ જૂનાગઢ અને ભાવનગર જિલ્લાના રહેવાસીઓ માટે બસો બુક થઈ છે. સૌરાષ્‍ટ્રના આગેવાનોએ જણાવ્‍યું હતું કે ચૂંટણી જાહેર થઈ તે સાથે જ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં વસતાં સૌરાષ્‍ટ્રવાસી મતદારોની સંખ્‍યાનો સર્વે કરી લેવાયો છે. જેથી કયા વિસ્‍તારમાં કેટલી બસો મુકવી પડે તેની ખબર પડે. આ મુજબ હાલ ૫૦૦ જેટલી લક્‍ઝરી બસો અને ખાનગી વાહનોનું બુકિંગ થઈ ગયું છે.

જેમાં અમરેલી જિલ્લા માટે ૨૪૦ વાહન, જૂનાગઢ જિલ્લા માટે ૯૦ વાહન, ભાવનગર જિલ્લા માટે ૭૦ વાહન, રાજકોટ જિલ્લા માટે ૫૦ વાહન, જામનગર માટે ૩૦ વાહન અને અન્‍ય જિલ્લાઓ માટે ૨૦ વાહનો હાલ બુક થયા છે.

તમામ લોકોને રસ્‍તામાં નાસ્‍તો, જમવાનું અને રોકાણની સહિતની વ્‍યવસ્‍થા

આગેવાનોએ જણાવ્‍યું હતું કે મતદાનના આગલા દિવસે રાત્રે આ વાહનો સૌરાષ્‍ટ્રમાં જવા માટે ઉપડશે. ત્‍યારે તેમાં આવનાર તમામ લોકોને રસ્‍તામાં નાસ્‍તો, ચા-પાણી, પરત આવે ત્‍યાં સુધીનો જમણવાર અને ટૂંકુ રોકાણ કરવું પડે તો તેની વ્‍યવસ્‍થા સહિતની સગવડતા કરવામાં આવશે. જેનો ખર્ચો જે-તે ઉમેદવાર કે રાજકીય પક્ષ ભોગવતો હોય છે.

(10:21 am IST)