Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

આણંદ તાલુકાના બોરીયાવી ગામે યુવતીને પ્રેમીએ સાસરીમાં જાણ કરી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

આણંદ : આણંદ તાલુકાના બોરીયાવી ગામની યુવતીને પ્રેમીએ સાસરીમાં પ્રેમસંબંધોની જાણ કરી સગાઈ તોડી નંખાવી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ બનાવ અંગે યુવતીએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 બોરીયાવી ગામે રહેતી એક યુવતી ઠાસરા તાલુકાના  બાધરપુરા ગામે મોસાળમાં અવારનવાર આવતી-જતી હોઈ બાધરપુર ગામે રહેતા શિવમ વિક્રમભાઈ ચૌહાણ સાથે પરિચય થયો હતો. જેને લઈ છેલ્લા ચાર વર્ષથી બંને એકબીજા સાથે ફોન ઉપર વાતચીત કરતા હતા. આ યુવતીની  એક યુવક સાથે સગાઈ નક્કી થઈ હતી. આ બાબતે બાધરપુરના શિવમને જાણ થતા તેણે યુવતીની સાસરીમાં ફોન કરી તેઓના સંબંધો અંગે જાણ કરતા યુવકના પરિવારજનોએ સગાઈ તોડી નાંખી હતી.  જો કે પ્રેમી શિવમે સગાઈ તોડાવી નાખી હોવા અંગે યુવતીને જાણ થતા જ યુવતીએ ફોન કરી આ બાબતે શિવમ સાથે વાતચીત કરતા શિવમે તું મારી નહિ થાઉ તો કોઈની નહિ થવા દઉં તેમ જણાવી બિભત્સ અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે યુવતીએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે શિવમ ચૌહાણ વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(6:42 pm IST)