Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ગુજરાત ચૂંટણીમાં ભાજપને મુદ્દો મળ્યો :ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે મેઘા પાટકર સામેલ થતા ભાજપ લાલધૂમ

--ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને ગુજરાત અને ગુજરાતીઓ વિરૂદ્ધ દુશ્મનીનો આરોપ લગાવી ગુજરાતનું અપમાન ગણાવ્યું

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1 અને 5 ડિસેમ્બર બે તબક્કામાં યોજાવાની છે. આ પહેલા ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રચાર કરી રહી છે. બીજી તરફ રાહુલ ગાંધી દક્ષિણ ભારતથી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ગુજરાત ચૂંટણી વચ્ચે ભારત જોડો યાત્રામાં મેઘા પાટકર સામેલ થતા ભાજપને મુદ્દો મળી ગયો છે. ભાજપે મેઘા પાટકરને લઇને કોંગ્રેસ પર પ્રહાર કરવાના શરૂ કરી દીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાહુલ ગાંધી સાથે મેઘા પાટકરની તસવીર શેર કરીને ગુજરાતનું અપમાન ગણાવ્યુ હતુ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાહુલ ગાંધી પર સામાજિક કાર્યકર્તા મેઘા પાટકરને ‘ભારત જોડો યાત્રા’માં કેન્દ્રીય સ્થાન આપવાનો આરોપ લગાવ્યો છે અને તેને ગુજરાત અને ગુજરાતીઓ વિરૂદ્ધ દુશ્મની કહ્યુ છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે ટ્વીટ કરતા લખ્યુ,કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ વારંવાર ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે પોતાની દુશ્મની બતાવી છે. મેઘા પાટકરને પોતાની યાત્રામાં કેન્દ્રીય સ્થાન આપીને, રાહુલ ગાંધી બતાવે છે કે તે તે તત્વો સાથે ઉભા છે જેમણે દાયકાઓથી ગુજરાતીઓને પાણીથી વંચિત રાખ્યુ છે. ગુજરાત તેને સહન નહી કરે.”

ભારત જોડો યાત્રાના પેજ પરથી આ પહેલા ટ્વીટ કરવામાં આવ્યુ હતુ, “જ્યારે તમે સમાજ માટે કઇ કરો છો, તો સમાજ કલ્યાણ સાથે જોડાયેલા લોકો તમારી સાથે ખુદ જોડાઇ જાય છે.” સામાજિક કાર્યકર્તા મેઘા પાટકરે ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો. મહત્વપૂર્ણ છે કે મેઘા પાટકર એક સામાજિક કાર્યકર્તા, નર્મદા બચાઓ આંદોલનના મુખ્ય ચહેરામાંથી એક છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. રૂપાણીએ કહ્યુ-મેઘા પાટકર એ વ્યક્તિ હતા જેમણે નર્મદા ડેમ પ્રોજેક્ટ પૂર્ણ થવા દીધો નહતો, તેમણે તેનો વિરોધ કર્યો હતો અને ગુજરાતનો વિકાસ થવા દીધો નહતો. હવે પાટકર ભારત જોડો યાત્રામાં જોડાયા, જે દર્શાવે છે કે કોંગ્રેસ વિકાસની વિરૂદ્ધ છે, જે તેમનો સાચો ચહેરો છે

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે ટ્વીટ કરીને કહ્યુ,“અર્બન નક્સલી મેઘા પાટકરે નર્મદા યોજનાનો વિરોધ કરી કચ્છ અને સમગ્ર ગુજરાતનાં વિકાસમા અવરોધ નાંખ્યો હતો. આજે કોંગ્રેસ ગુજરાતનાં વિકાસ-વિરોધી અર્બન નક્સલી સાથે ભારત તોડો યાત્રા કરી રહ્યું છે…ગુજરાતનાં વિકાસ-વિરોધી અર્બન નક્સલીઓનો સાથ લેનારને આ ગુજરાત ક્યારેય પણ સાથ નહીં આપે.”

આ પહેલા પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે, કેટલાક લોકો ગુજરાત ચૂંટણીમાં મેઘા પાટકરને પાછળના દરવાજે પ્રવેશ કરાવવા માંગે છે. જોકે, કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં મેઘા પાટકર જોડાતા ભાજપને મુદ્દો મળી ગયો છે. કોંગ્રેસ ભાજપની ચાલમાં ફસાઇ ગયુ હોય તેમ લાગી રહ્યુ છે.

(7:48 pm IST)