Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

નવસારીમાં ભાજપ નેતાને રોષનો સામનો કરવો પડ્યો: મત માંગવા પહોંચ્યા તો લોકોએ કહ્યું- 'ખોટા વચનો નથી જોઈતા '

મતદારો સાથે વાત કરવા જતા ભાજપના પ્રમુખ સામે લોકોએ ઠાલવ્યો રોષ :નવસારીના અંચેલી અને તેની આસપાસના 17 ગામોના રહેવાસીઓ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય

સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ થનારા મતદાનને હવે ગણતરીનો સમય બાકી છે. તેમ છતાં હજી પણ રાજકીય પાર્ટીઓ પોતાના મતદારોને રીઝવવા કે પછી મનાવવામાં નિષ્ફળ જોવા મળી રહી છે. નવસારીના અંચેલી અને તેની આસપાસના 17 ગામોના રહેવાસીઓ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેની સાથે “ટ્રેન નહીં તો વોટ નહિ”ના બેનરો લગાવીને વિરોધ પણ કરવામાં આવ્યો હતો. જેને લઈને ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહને લોકો સાથે વાતચીત કરવા જતા લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.

એક લોકલ પેસેન્જર ટ્રેન 1966થી અંચેલી રોકાતી હતી. જેને કોવિડની મહામારીને કારણે તેને બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ આ ટ્રેન ફરીથી શરૂ થઈ પણ અંચેલી રેલવે સ્ટેશન પર રોકાતી નથી. ટ્રેન અંચેલી સ્ટેશન પર ન રોકાતા 19 જેટલા ગામના લોકોને ખાનગી વાહનોમાં મસમોટા પૈસા ચૂકવી મુસાફરી કરવી પડી રહી છે. જેને ધ્યાને રાખી અનેક વખત માંગ કરવા છતાં નિવેડો ન આવતા તમામ ગામના લોકો દ્વારા વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગામના લોકો દ્વારા ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરતું એક મોટું પોસ્ટર લટકાવવામાં આવ્યું છે. જેમાં “ટ્રેન નહીં તો વોટ નહિ, કોઈ પણ રાજકીય પક્ષના કાર્યકર્તાએ ચૂંટણીનો પ્રચાર કરવા આવવું નહિ.”લખવામાં આવ્યું છે. વધુમાં “અમારી માંગણી નહિ સંતોષાતા અમે ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ છીએ.”પણ લખવામાં આવ્યું હતું. જેને ધ્યાને રાખી ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ સહિત અનેક સભ્યો સાથે મિટીંગ યોજાઈ હતી.

જેમાં સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવે છે કે, અમે નવી ટ્રેન નથી માંગતા. જે ટ્રેન છે તે જ અમે માંગી રહ્યા છીએ. 19 ગામમાંથી લોકો અમારા રેલવે સ્ટેશને આવી ટ્રેનમાં મુસાફરી કરે છે. તો શા માટે બંધ કરી દીધી છે. એટલે જ અમે નક્કી કર્યું છે કે, પૂછડી પટપટાવનાર આ ગામ નથી. એ જમાના ગયા. અમે હવે પૂછડી નથી પટાવવાના. અમે હક્કથી માંગીએ છીએ. અમારી ફરજ છે કે, અમારે મત કરવો જોઈએ એટલો જ અમારો હક્ક છે કે,અમને જોઈતી વસ્તુ મળવી જોઈએ. અમે હક્ક માંગીએ છે. ખોટા વચનો અને ખાતરી નથી જોઈતી. જો ટ્રેન ન અપાતી હોય તો જ હા કહેવું. નહિં તો અમે અમારા નિર્ણય પર તટસ્થ છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, અંચેલી સહિતના આસપાસના ગામ નવસારી વિધાનસભા મત વિસ્તાર હેઠળ આવે છે. જ્યાં હાલ ભાજપના પિયુશ દેસાઈ ધારાસભ્યનો પદ સંભાળી રહ્યા છે. જેઓને ભાજપે આ વખતે રીપીટ ન કરતા તેમના સ્થાને રાકેશ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. એક બાજુ ભાજપ મતદારોને રીઝવવામાં સફળ થતી જોવા મળી રહી છે. તો બીજી તરફ નવસારીમાં હજી પણ મતદારો ભાજપથી નારાજ જોવા મળી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે, ચૂંટણી પહેલા મતદારોની માંગ સ્વીકારાશે કે,મોટી માત્રામાં ભાજપ પોતાના મત ગુમાવશે.

(8:07 pm IST)