Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ દેશના વિકાસમાં મજબૂત છાપ છોડી છે :રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર

નર્મદા જિલ્લાના નવનિયુક્ત પ્રભારી મંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો

રાજપીપલા:વિશ્વ વિખ્યાત વૈશ્વિક ધરોહર સમાન સરદાર સાહેબની વિરાટ પ્રતિમાની ભવ્યતા જ આટલી વિશાળ છે કે નર્મદા જિલ્લાના પ્રવાસે પધારેલા નવનિયુક્ત પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે બીજા દિવસની સંધ્યા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગરના પરિસરમાં વિતાવી હતી.

 આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતાએ પ્રભારીમંત્રીની સંપૂર્ણ ટીમને  મોહી લીધા હતા. આ ખાસ મુલાકાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે મંત્રી સાથે જોડાઈને સરદાર સાહેબના પ્રાસંગિક તથા ઐતિહાસિક જીવન કવન સંદર્ભે ઝીણવટભરી માહિતીથી વાકેફ કરી  વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ કાર્ય અને વિશેષતાથી માહિતગાર કર્યા હતા 
     ત્યારબાદ સરદાર સાહેબના હૃદય સ્થાન જે ૧૩૫ મીટરની ઊંચાઈએ આવેલું છે, ત્યાંથી મંત્રી વિંદ્યાચલ-સાતપૂડાની ગિરિમાળાની પ્રાકૃતિક સૌંદર્યના રમણીય દ્રશ્યો જોઈને અભિભૂત થયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અંગે પોતાના મંતવ્યો રજૂ કરતાં જણાવ્યું કે, સરદાર સાહેબને તસ્વીરમાં જોયું હતું પણ આજે પ્રત્યક્ષ રીતે પ્રતિમાના દર્શનનો લ્હાવો મળ્યો છે. તસ્વીરમાં જે દેખાય છે તેના કરતા સરદાર સાહેબની આ પ્રતિમા ખૂબ વિશાળ છે. આ નઝારો ખરેખર અદભુત છે.
   વધુમાં મંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના તમામ અધિકારી-કર્મચારીઓની ઉત્સાહભેર કામગીરી અને અનુસાશન ની પ્રસંશા કરી હતી.સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આજે આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે તે ગુજરાત સહિત દેશના વિકાસમાં પોતાની મજબૂત છાપ છોડી રહ્યું છે. જેમાં મંત્રી ભીખુસિંહજીની જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર ઉમેશ શુક્લાએ મંત્રી ભીખુસિંહજીને સ્મૃતિરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફીટેબલ બુક અર્પણ કરી હતી.
   આ વેળાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પી.બી.રાણપરિયા સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ સામેલ થયા હતા.

(9:30 pm IST)