Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

1996ના NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને રાહત નહીં : સુનવણી રોકવાની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી

કેસના સહઆરોપી આઇબી વ્યાસે તાજના સાક્ષી બનવા પાલનપુર કોર્ટમાં અરજી કરી

પાલનપુરના 1996ના NDPS કેસમાં પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી. કેસના સહઆરોપી આઇબી વ્યાસે તાજના સાક્ષી બનવા પાલનપુર કોર્ટમાં અરજી કરી છે. પરંતુ સંજીવ ભટ્ટે તેની સુનાવણી પોતાની બે અરજીઓનો નિકાલ ન થાય ત્યાં સુધી રોકવા માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. પરંતુ તેમને રાહત ન મળી

અરજદાર સંજીવ ભટ્ટના એડવોકેટ તરફે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજુઆત કરવામાં આવી હતી કે પાલનપુર NDPS કેસમાં સહ-આરોપી આઈ.બી. વ્યાસ દ્વારા પાલનપુરની કોર્ટમાં “તાજના સાક્ષી” બનવા માટે દાખલ કરાયેલી અરજી સંજીવ ભટ્ટની – સાક્ષીઓના ક્રોસ એક્સઝમીનેશન અને દસ્તાવેજ માટેની બે અરજીનો નિકાલ ન આવે, ત્યાં સુધી મુલતવી રાખવામાં આવે તેવી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ દાદ માંગી હતી

ગત 28મી જાન્યુઆરીએ પાલનપુરની કોર્ટે સંજીવ ભટ્ટ દ્વારા સહ-આરોપી આઈ.બી. વ્યાસની ‘તાજનો સાક્ષી’ બનવા માટેની અરજી આ કેસમાં પોતાની (સંજીવ ભટ્ટ) બે અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી મુલત્વી રાખવાની માંગ ફગાવી દીધી હતી. નીચલી કોર્ટે સંજીવ ભટ્ટની અરજી ફગાવી દેતા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

વર્ષ 1996 પાલનપુર NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટની સપ્ટેમ્બર 2018માં ધરપકડ કરવામાં આવી હતી. સંજીવ ભટ્ટ હાલ પાલનપુર જેલમાં છે. જામનગર સેશન્સ કોર્ટે વર્ષ 1990ના કસ્ટડીયલ ડેથ કેસમાં સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી છે. જામનગર સેશન્સ કોર્ટ દ્વારા અપાયેલા આદેશને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

(11:51 pm IST)