Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મને લઈ વિવાદ: શક્તિસિંહ ગોહિલે કહ્યું - ભાજપે 4 સમર્થકો પર દબાણ કરી ફોર્મમાં સહી નથી કરી તેવું લખાવ્યુ

પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે કહ્યું કે, ભાજપ હાર ભાળી ગયું છે એટલે અમારા ઉમેદવારોને દબાવે છે

સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મને લઈ વિવાદ શરૂ થયો છે. જેમનો ફોર્મ રદ થવાની સંભાવનાને લઈ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે. શક્તિસિંહ જણાવ્યું કે, ભાજપ હાર ભાળી ગયું છે એટલે અમારા ઉમેદવારોને દબાવે છે. ભાજપે 4 સમર્થકો પર દબાણ કરી ફોર્મમાં સહી નથી કરી તેવું લખાણ લખાવ્યુ છે.

   શક્તિસિંહ ગોહિલે ફોર્મ રદ્દને લઈ કહ્યું કે, પોલીસ જાપ્તા નીચે દબાણ કરતાં ફોર્મ રદ થવાની સંભાવના ઉભી થઈ છે. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે,  400 પાર નહી પણ તડીપાર થશે.

   નિલેશ કુંભાણીના ફોર્મનો વાંધા અરજીના વિવાદ મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ કહ્યું કે, ટેકેદારોની અરજી મામલે અમે લીગલ કામગીરી કરીશું. સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારોનું ખોટું તંત્ર ઉભુ કર્યું છે. વાંધો ખોટો છે કે સાચો તે રજૂ કરવા માટે સમય માંગ્યો છે અને આવતીકાલે અમે જવાબ રજૂ કરીશું. 

  વધુમાં કહ્યું કે, ભાજપ તંત્રનો ઉપયોગ કરી ઉમેદવારને હરાવવા પ્રયાસ કરાયો છે. ભાજપના ઉમેદવાર સામે વાંધો હોય તે દેખાતું નથી. જે ખેલ ખેલાયો છે તેને અમે કાલે ખુલ્લો પાડીશુ. વધુમાં ઉમેર્યું કે, ટેકેદારોને કઈ રીતે ધાકધમકી આપી તે અમે ખુલ્લી પાડીશું. કાયદા પ્રમાણે અમને સમય આપવાની ફરજ પડી છે. કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણી લડવા માટે રોકવામાં આવે છે. ભારતીય ચૂંટણી પંચ કેમ કોઈ પગલાં ભરતું નથી અને તંત્ર ભાજપના આદેશ પર કામ કરે છે કે શું ?

  આ મુદ્દે નૈષધએ દાવો કર્યો હતો કે, ફોર્મ રદ થયાની અમને મૌખિક સૂચના મળી છે. હજુ સુધી અમને લેખિતમાં કોઈ માહિતી અપાઈ નથી. સાથો સાથ કોંગ્રેસ તરફથી 24 કલાકનો સમયની માંગ કરવામાં આવી છે. નોટિસનો જવાબ આપવા 24 કલાકનો સમય માંગ્યો છે.

(7:03 pm IST)