Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ગાંધીનગર નજીક અડાલજમાં પૌત્રને મળવા ગયેલ વૃદ્ધને પ્રેમી સાથે મળી પુત્રવધૂએ માર મારતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક અડાલજમાં પૌત્રને મળવા ગયેલા વૃદ્ધને પુત્રવધુ અને તેના પ્રેમીએ માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે વૃદ્ધે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતાં પોલીસે બંને વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અંબાપુર ગામે રહેતા રણછોડભાઈ જોઈતારામ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પુત્ર મનીષનું ગયા વર્ષે અવસાન થયું હતું. તેની પત્ની નિલમ અને પૌત્ર પૂજન સાથે તેઓ અડાલજના શ્રીનાથ સોસાયટીમાં રહેતા હતા. જોકે પુત્રવધુ જમવાનું આપતી નહોતી અને રાખવા માંગતી ન હોવાથી તે પુત્રી ના ઘરે રહેવા માટે ગયા હતા. આ દરમિયાન ગઇકાલે તેમને પૌત્ર પૂજનની યાદ આવતા તેમના જમાઈ તેમજ સગા સાથે અડાલજના શ્રીનાથ સોસાયટીના મકાનમાં ગયા હતા. જ્યાં ઘરમાં પૌત્ર પૂજન, પુત્રવધુ નીલમ તેમજ અન્યપુરુષ હાજર હતો. જેથી આ બાબતે રણછોડભાઈ પૂછતા નીલમએ કહ્યું હતું કે આ વ્યક્તિ સાથે કોર્ટમાં પ્રેમ લગ્ન કર્યા છે તેનું નામ નિલેશ રમેશભાઈ પટેલ છે. મારી મરજીથી મેં લગ્ન કર્યા છે. જેથી રણછોડભાઈએ તેણીને ઘર ખાલી કરી દેવા માટે કહ્યું હતું .જોકે નીલમ ઉશ્કેરાઇ ગઇ હતી અને તેણે કહ્યું હતું કે આ ઘર મારા પતિએ લીધું છે. હું ઘર ખાલી નહીં કરું અને તેમ કહી નીલમ અને તેની સાથે રહેલા નીલેશએ વૃદ્ધ રણછોડભાઈને ગડદા પાટુ માર માર્યો હતો. ફરિવાર અહીં નહીં આવવા માટે પણ ધમકી આપી હતી. જેના પગલે વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમની ફરિયાદના આધારે પોલીસે નિલમ પ્રજાપતિ અને નિલેશ પટેલ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

(6:33 pm IST)