Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

નડિયાદના સરદારભાવન રોડ નજીક સરદારભવન સામેનો પુલનો છેડો જોખમી બનતા ચાલકોને વાહન ચલાવવામાં હાલાકી

નડિયાદ : નડિયાદના સરદારભવન સામે આવેલ બ્રીજના છેડે કોઇપણ પ્રકારનો બમ્પ ન હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને હંમેશા અકસ્માતનો ભય સતાવે છે. ઉપરાંત આ બ્રીજના છેડે રસ્તાની બંને બાજુ લપસણો ઢાળ પણ અકસ્માતને નોંતરે તેવો છે. ઉપરાંત આ બ્રીજ નજીક જ શાળા,બેંક અને અનાથ આશ્રમ આવેલો હોવાથી જીવલેણ ઘટના સર્જાવાનો ભય પણ સ્થાનિકોને સતાવી રહ્યો છે. સત્વરે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

સરદાર ભવન સામે મીશન રોડ પર જવા માટેનો ઓવરબ્રીજ આવેલો છે. આ બ્રીજની એક બાજુ પોલીસ અધિક્ષકની ઓફિસ આવેલી છે, તો બીજી બાજુ શાળા, કોલેજ, બેંક અને એક આશ્રમમાં જવાનો રસ્તો છે. આ બ્રીજનો બીજો છેડો મિશન રોડ પર નીકળે છે. જ્યાંથી કલેક્ટર કચેરી થઇને ડભાણ રોડ પર નીકળાય છે. આથી આ રોડ પર ચોવીસ કલાક નાના મોટા વાહનોની અવર જવર સતત ચાલુ હોય છે. આ બ્રીજના સરદારભવન બાજુના છેડા પર બ્રીજના અંતે કોઇપણ પ્રકારનો બમ્પ મુકવામાં આવ્યો નથી. જેને કારણે ડભાણ બાજુથી આવતા વાહનો ઢાળને કારણે સ્પીડમાં તો હોય જ છે, પરંતુ બમ્પ ન હોવાને કારણે બ્રેક પર કાબુ રહેતો નથી. ઉપરાંત આ છેડા પર શાળા બાજુના મર્જીંગ રોડ પર લપસણો ઢાળ છે. જેને કારણે બ્રીજ પરથી વાહનોને શાળા બાજુ વળવું હોય તો આ લસપણો ઢાળ મુશ્કેલી સમાન બને છે. 

(6:35 pm IST)