Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

વડોદરા પીસીબીએ બિલ ગામે છાપો મારી ગોડાઉનમાંથી અખાદ્ય ગોળનો જથ્થો ઝડપી વધુ તપાસ હાથ ધરી

વડોદરા: વડોદરા પીસીબી પોલીસને બિલ ગામ રોડ ઉપર છાપો મારી ગોડાઉનમાંથી અખાદ્ય ગોળનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. દરોડા દરમિયાન પોલીસે રૂપિયા 11.21 લાખ ઉપરાંતની કિંમત ધરાવતી 1495 અખાદ્ય ગોળની બોરીઓ કબજે કરી વેપારી બંધુઓની નશાબંધીના ગુનામાં ધરપકડ કરી હતી.

પીસીબી વડોદરાના પોલીસ જવાનો પ્રોહિબિશન અંગેની ગેરકાયદેસર પ્રવૃત્તિને નાબુદ કરવાના હેતુથી પેટ્રોલિંગમાં હતા. તે સમયે ચોક્કસ માહિતી મળી હતી કે, બિલ ગામ રોડ પર આવેલ વ્રજ વાટિકા એપાર્ટમેન્ટ પાસે ગોડાઉનમાં અખાદ્ય ગોળનો જથ્થો ઉતરી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડી ગોડાઉન માલિક પ્રિયલ ઠાકોરભાઈ સુખડિયા ( રહે - લકુલેશ નગર સોસાયટી, પાદરા ) ને ઝડપી પાડયો હતો. ટ્રકમાંથી ગોળની 30 કિગ્રા વજન ધરાવતી 530 બોરી મળી આવી હતી. જ્યારે ગોડાઉનમાંથી 304 બોરી મળી આવી હતી. દરોડા દરમિયાન પોલીસે રૂપિયા 11.21 લાખ ઉપરાંતની કિંમત ધરાવતી 1495 બોરીઓ કબજે કરી ગોડાઉન સીલ કરી કર્યું હતું. ત્યારબાદ એફએસએલ રિપોર્ટમાં ગોળ સડી ગયો હોવાનું જણાઈ આવ્યું હતું. તપાસ દરમિયાન અખાદ્ય ગોળનો જથ્થો મહારાષ્ટ્ર ખાતેથી મંગાવનાર પાદરા સરદાર પટેલ માર્કેટમાં પ્રિયલ ટ્રેડર્સના પ્રોપરાઇટર વિશાલકુમાર ઠાકોરભાઈ સુખડિયા અને તેનો ભાઈ પ્રિયલ ઠાકોરભાઈ સુખડિયા સાથે મળી વેપાર કરતા હોવાની વિગતો ખુલતા પોલીસે વેપારી બંધુ વિરુદ્ધ નશાબંધી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અખાદ્ય ગોળ અંગેની ચકાસણી કરવા પીસીબીએ એફ.એસ.એલ.માં નમુના મોકલ્યા હતા તેનો અહેવાલ આવ્યા બાદ એક મહિના બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

(6:36 pm IST)