Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

અગ્નિપથ યોજના અમલમાં મૂકીને ભાજપ સરકાર દેશના જવાનોનું અપમાન કરી રહી છેઃપહેલા ભાજપ ખેડૂતો વિરુદ્ધ કાયદો લાવી હતી, હવે દેશના સૈનિકો વિરુદ્ધ અગ્નિપથ યોજના લાવી છે : ભાજપ "જય જવાન જય કિસાન" ના નારાની વિરુદ્ધ જ કામ કરી રહ્યું છે: ભાજપના નેતાઓ કહે છે કે અગ્નિવીરો ને ભાજપ કાર્યાલયમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી અપાશે, પરંતુ દેશના યુવાનો ભાજપનું આ સ્વપ્ન ક્યારેય સાકાર નહીં થવા દે: જો ભાજપ સરકારને અગ્નિપથ યોજના એટલી જ પસંદ હોય તો તે પ્રથમ તેમના બાળકોને આ યોજના હેઠળ સેનામાં મોકલે: ભાજપ સરકારે અગ્નિપથ યોજના પાછી લેવી જ પડશેઃ ઇસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરીનુ ગંભીર મુદ્દા પર મીડિયાને સંબોધન

રાજકોટ તા.૨૦ :આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ એક ગંભીર મુદ્દા પર મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, કેન્દ્રની ભાજપ સરકાર "અગ્નિપથ" નામની યોજના અમલમાં મૂકી છે જે દેશના યુવાનો ને બિલકુલ પસંદ આવી નથી. અગાઉ, તમને યાદ હશે કે ખેડૂતો માટે ત્રણ કૃષિ કાયદાઓ લાવવામાં આવ્યા હતા અને આ કૃષિ કાયદાઓ પણ ખેડૂતોને યોગ્ય લાગતા ન હતા, તેમ છતાં કેન્દ્ર સરકાર આ કૃષિ કાયદાના લાભની ગણતરી કરાવામાં વ્યસ્ત હતી. ખેડૂતોએ એક વર્ષથી વધુ સમય સુધી તે કૃષિ કાયદાનો વિરોધ કર્યો અને 700 ખેડૂતોએ જીવ ગુમાવ્યા, ત્યારબાદ કેન્દ્ર સરકારે તે કાયદો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો. આજે મારે પૂછવું છે કે એ 700 નિર્દોષ ખેડૂતોના મોત માટે કોણ જવાબદાર છે? તેમના પરિવારજનોને કોઈ સહાય આપવામાં આવી નથી.

આજે ભાજપ એ જ રીતે અગ્નિપથ નામની યોજના લાવી છે. આ યોજનાથી સ્પષ્ટ છે કે ભાજપ "જય જવાન જય કિસાન" ના નારાની વિરુદ્ધ સંપૂર્ણ રીતે કામ કરી રહ્યું છે. આ યોજના હેઠળ યુવાનોને માત્ર 4 વર્ષ માટે સેનામાં નોકરી આપવામાં આવે છે અને પછી તેમને નિવૃત્ત કરી દેવામાં આવશે. અમને ઘણી જગ્યાએથી વિરોધ કરી રહેલા યુવકોના મોતની માહિતી મળી રહી છે. આ યુવાનોના મોત માટે જવાબદાર કોણ?

અમે ક્યારેય હિંસાનું સમર્થન કરતા નથી પરંતુ યુવાનોને વિરોધ ના કરવા દેવા અને તેમના પર લાઠીચાર્જ એ કેવું વર્તન? અમે જાણવા માંગીએ છીએ કે શું ભાજપના નેતા, લોકો માટે કાયદો લાવે છે કે લોકો વિરુદ્ધ કાયદો લાવે છે?

આપણા દેશમાં સાંસદો અને ધારાસભ્યોને પેન્શનના નામે એક મસમોટી રકમ આપવામાં આવે છે અને બીજી તરફ પેન્શન વિના માત્ર 4 વર્ષ સુધી પોતાનો જીવ દાવ પર લગાવનાર સૈનિકોને નોકરી આપવાની યોજના સરકાર લાવી છે. ભાજપ દ્વારા આ આપણા દેશના જવાનો નું અપમાન છે. પહેલા ભાજપે ખેડૂતોનું અપમાન કર્યું, હવે દેશના જવાનો નું અપમાન કરી રહ્યું છે.

ભાજપના નેતાએ શરમજનક નિવેદન આપતાં કહ્યું કે, જ્યારે અગ્નિવીર નિવૃત્ત થશે ત્યારે અમે તેને ભાજપ કાર્યાલયની બહાર સિક્યોરિટી ગાર્ડની નોકરી આપીશું. આ નિવેદન આપનાર કૈલાશ વિજયવર્ગીયને હું કહેવા માંગુ છું કે, જો તમને આ યોજના એટલી જ પસંદ છે, તો તમારે તમારા બાળકોને અગ્નિપથ યોજના દ્વારા સેનામાં દાખલ કરાવો. આજે કોઈ પણ સાંસદ કે ધારાસભ્ય પોતાના બાળકોને સેનામાં મોકલવા માંગતા નથી અને પોતે અગ્નિવીર બનવાના ફાયદા સમજાવવા નીકળી પડ્યા છે.

અગાઉ ભાજપે તેમના સમગ્ર સંગઠનને કૃષિ કાનૂન ના લાભો ગણવા માટે પોતાના કાર્યકર્તાઓને ઘરે-ઘરે મોકલવાનું શરૂ કર્યું હતું, આજે ભાજપના લોકો ફરીથી તેમના સંગઠનનો દુરુપયોગ કરીને અગ્નિપથ યોજનાના લાભોની ગણતરી કરાવી રહ્યા છે.

ઈસુદાન ગઢવી એ આગળ કહ્યું કે, મારી કેન્દ્ર સરકારને વિનંતી છે કે, કાયદા ગણાવા ની જગ્યા એ, અકડતા દાખવાની જગ્યા એ, અગ્નિપથ નો કાનૂન પાછો લો. અથવા તો દેશના દરેક ધારાસભ્ય; એમાં આમ આદમી પાર્ટી પણ આવી જાય. એમ દરેક પાર્ટીના દરેક ધારાસભ્ય ના દીકરાઓ અગ્નિવીર રૂપે સેનામાં ભરતી થાય એવો કાનૂન પાસ કરો. અમે પોતે સ્વીકારીએ છીએ અને શરૂઆત ભાજપના નેતાઓના દીકરાઓ થી કરો, જે આ કાનૂન લાવ્યા છે. આ કહેવાનો એક જ અર્થ છે કે જો તમને યોજના એટલી જ સારી લાગતી હોય, યોગ્ય લાગતી હોય તો તમારા થી જ શરૂઆત કરો, દેશના યુવાનો અને જવાનો ની ભાવનાઓનું અપમાન ના કરશો.

દેશના યુવાનો જે દેશ માટે શહીદ થવા તૈયાર છે તેને તમે ફક્ત 4 વર્ષ સેનામાં ભરતી કરશો અને પછી કરોડો રૂપિયાના ભ્ર્ષ્ટાચાર થી બનેલા કમલમ માં અગ્નિવીરો ને તમે સિક્યુરિટી ગાર્ડ તરીકે રાખવા માંગો છો તે સપનું આ ગુજરાતનો યુવાન, આ દેશનો યુવાન ક્યારેય સાકાર નઈ થવા દે. હું દરેક યુવાન ને વિનંતી કરું છું કે હવે જાગવાનો સમય થઇ ગયો છે. ભાજપ નો અસલી ચહેરો હવે દેશના સમક્ષ છે. દેશના યુવાનો નું ભવિષ્ય ખતમ કરવા આ ભાજપ પાર્ટી ઉભી થઇ છે અને આ યોજના તેનું ઉદાહરણ છે. આ સમસ્યા નો એકમાત્ર ઈલાજ એ જ છે કે ભાજપ ને ગુજરાત માંથી કાઢો, દેશમાંથી કાઢો. ચૂંટણી આવશે ત્યાં સુધી તમે મજબૂતાઈ થી રહેશો તો ભાજપ આ કાયદો તરત પાછો પણ લઇ લેશે, પણ જો તમે ભાજપ ની વાતોમાં આવી ગયા તો અમને ખાતરી છે કે આનાથી પણ ખરાબ કાનૂન આગામી સમય માં લાવશે.

(9:08 pm IST)