Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

વડોદરા: ટીમ રિવોલ્યુશનની મેડિકલ માફિયા સામે સર્જીકલ સ્ટ્રાઇક :જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં મળશે મેડિકલ સાધનો

હવેથી મેડીકલ માફીયાઓની લૂંટ બંધ તેવા પોસ્ટર સાથે લારી લઇને વિરોધ નોંધાવ્યો :તમામ વસ્તુની હોમડિલીવરી સીધી હોસ્પિટલમાં ફ્રીમાં જ કરવામાં આવશે

વડોદરામાં મેડિકલ માફિયા સામે સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. ટીમ રિવોલ્યુશન દ્વારા લારી લઇને વિરોધ કરવામાં આવ્યો હતો. હવેથી મેડીકલ માફીયાઓની લૂંટ બંધ તેવા પોસ્ટર સાથે લારી લઇને વિરોધ નોંધાવ્યો હતો.

મળતી માહિતી મુજબ શહેરમાં ગાંધીનગર ગૃહ ખાતે ટીમ રીવોલ્યુશન દ્વારા મેડીકલ માફિયાઓ સામે સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. જેમાં લારીમાં પોસ્ટર સાથે મેડીકલનો સામાન રાખીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ટીમ રીવોલ્યુશન હવે ઓપરેશનનો સામાન ગરીબોને ફ્રી માં આપશે તથા રાહત દરે આપશે તેવા પોસ્ટર લગાવ્યા હતા. હોસ્પિટલમાંથી બહારથી લાવવા માટે જે સાધનો હોય છે તે મેડીકલ માફિયાઓ મોંઘાભાવે વેચે છે. જેની સામે ટીમ રિવોલ્યુશને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે જરૂરિયાતમંદોને આ તમામ સાધનો ટીમ રિવોલ્યુશન દ્વારા ફ્રીમાં આપવામાં આવશે.

સ્વેજલ વ્યાસે મિડીયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે અમે નક્કી કર્યુ છે કે શહેરમાં સરકારી હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલ હોય તેમાં ઓપરેશનનો સામાન બહારથી મંગાવવામાં આવે છે તે અમે સામ નજીવી કિંમતે આપીશુ. એટલે કે 1000 રૂપિયાની વસ્તુ માત્ર 98 રૂપિયામાં આપીશુ. જે લોકો જરૂરિયાત મંદ છે ,તેઓને અમે ફ્રીમાં આપીશું. આ તમામ વસ્તુની હોમડિલીવરી સીધી હોસ્પિટલમાં ફ્રીમાં જ કરવામાં આવશે.

અત્યાર સુધી ડોક્ટર અને મેડિકલ માફિયાઓની જે સાંઠગાઠ હતી, જેનો શિકાર વડોદરા શહેરની જનતા બનતી હતી. તે તમામ વસ્તુઓ હવેથી બંધ થશે. ટીમ રિવોલ્યુશન દ્વારા આવનાર સમયમાં સરકારી હોસ્પિટલમાં પણ જગ્યા માંગેલી છે જેથી આ સાધનોનો ફ્રીમાં લોકોને લાભ મળે. મેડિકલ માફિયા દ્વારા કિંમત વધારીને લોકો પાસેથી લૂંટ ચલાવવામાં આવે છે તે હવે બંધ થશે તેમ સ્વેજલ વ્યાસે જણાવ્યું હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ટીમ રિવોલ્યુશન દ્વારા પ્રજાના હિત માટે પેટ્રોલ, મોંઘવારી જેવા અનેક મુદ્દાઓ પર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જ્યારે હવે જીવન-મરણ વચ્ચે જરૂરિયાતી મેડીકલના સાધનો જરૂરિયાતમંદ સુધી પહોંચી શકે તે માટે ફ્રીમાં મેડિકલ સાધનો આપવા મુહિમ હાથ ધરી છે.

(7:33 pm IST)