Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

'થમ્બ પ્રિન્ટેડ'નું અર્જુન રામ મેઘવાલના હસ્તે વિમોચન

નવજીવન ટ્રસ્ટ દ્વારા પુસ્તક પ્રકાશિત કરાયુંઃનેશનલ આર્કાઇવ્સ ઑફ ઈન્ડિયાના વેબપોર્ટલની મોબાઈલ એપ્લિકેશન 'અભિલેખ પટલ'નું પણ ઉદ્ઘાટન

અમદાવાદ , તા.૨૦ :દેશને સ્વતંત્ર થયેલ ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે 'આઝાદીના અમૃત મહોત્સવ' નિમિત્તે નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયા(રાષ્ટ્રીય અભિલેખાગાર) દ્વારા ત્રણ પુસ્તકો અને ઉપરાંત 'અભિલેખ પટલ' નામની એપનું લોન્ચ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ ખાતે ૨૦ જૂન ૨૦૨૨ના રોજ યોજાયો હતો. ત્રણ પુસ્તકોમાં પ્રથમ છે ઃ

'થમ્બ પ્રિન્ટેડ ઃ ચંપારણ ઇન્ડિગો પિસન્ટ્સ સ્પિક ટુ ગાંધી વોલ્યુમ-૧',  બીજું 'રિપેઇર એન્ડ પ્રિઝર્વેશન ઑફ રેકોર્ડ્સ' અને ત્રીજું 'અભિલેખોં કા પરિરક્ષણ ઓર પ્રતિસંસ્કાર'.

આ ત્રણેય પુસ્તકોનાં વિમોચન કેન્દ્રીય રાજ્ય કક્ષાના સાંસ્કૃતિક મંત્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા કરવામાં આવ્યા હતાં. એપનું લોન્ચિંગ પણ અર્જુન રામ મેઘવાલે કર્યુ હતું. 

'થમ્બ પ્રિન્ટેડ ઃ ચંપારણ ઇન્ડિગો પિસન્ટ્સ સ્પિક ટુ ગાંધી વોલ્યુમ-૧'નામનું પુસ્તક ચંપારણ સત્યાગ્રહ દરમિયાન ગળીની ખેતી કરનારાં ખેડૂતોનું ગાંધીજી, રાજેન્દ્રપ્રસાદ અને તેમના અન્ય સાથીઓને આપેલી જુબાનીઓનું દસ્તાવેજીકરણ સ્વરૃપ છે. આવી સાતેક હજાર ખેડૂતોનું જુબાનીઓ રાષ્ટ્રિય અભિલાગારમાં સુરક્ષિત છે તે પૈકી ત્રણસો જેટલી આ પ્રથમ ખંડમાં સમાવવામાં આવી છે. ચંપારણ સત્યાગ્રહના અભ્યાસમાં આ પુસ્તક અનિવાર્ય બની રહેશે. નવજીવન પ્રકાશિત આ પુસ્તક ઇતિહાસકાર શાહિદ અમીન, પ્રો. ત્રિદીપ સુહૃદ અને મેઘા તોડી દ્વારા સંપાદિત છે.

'રિપેઇર એન્ડ પ્રિઝર્વેશન ઑફ રેકોર્ડ્સ'નામનું પુસ્તક એક ઉપયોગી પુસ્તક છે જેથી દસ્તાવેજીકરણનું આયોજનનો બહોળો ખ્યાલ આપે છે. અને આવા દસ્તાવેજો સુરક્ષિત રીતે સચવાય તે અર્થે તેમાં આવતી સમસ્યાનો ઉકેલ પણ આપે છે. આ પુસ્તકમાં દસ્તાવેજ થયેલાં સંગ્રહની સાચવણી, સમયાંતરે ઉપયોગ, પ્રદર્શની અને એક સ્થળેથી બીજી જગ્યાએ કેવી રીતે મોકલી શકાય તેની પણ માહિતી આપવામાં આવી છે. રાષ્ટ્રીય અભિલેખાગાર (નેશનલ આર્કાઇવ્સ ઑફ ઈન્ડિયા) પોતાના વેબપોર્ટલ https://www.abhilekh-patal.in/jspui/ની મોબાઈલ એપ્લિકેશન 'અભિલેખ પટલ'નું પણ ઉદ્ઘાટન થયું હતું. 'અભિલેખ પટલ' દ્વારા અભિલેખાગારના ૩૩ લાખ પાનાંઓમાં ઇન્ફર્મેશન સર્ચ કરી શકાશે. એમાં દૈનિક ૪૦૦૦૦ પાનાંઓ ઉમેરાઈ રહ્યા છે. એપ્લિકેશનમાં ૨૭ લાખથી પણ વધુ રેફરન્સ મીડિયાનો સંગ્રહ પ્રાપ્ય થશે જેને અત્યાર સુધી ૨૦૨ દેશોના ૧૦,૦૦૦થી પણ વધુ યુઝર્સ તેની વિઝિટ કરી ચૂક્યા છે. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને મોબાઈલ સેવા પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરી શકાશે.

 

 

(8:25 pm IST)