Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

રાધે કૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટની પ્રાણીઓ પ્રત્યે અનોખી સેવા :હાથીઓની સંભાળ માટે શેલ્ટર હોમ સ્થાપીને દેખરેખ રાખવાની સુવિધા

ટ્રસ્ટ હાથીઓ સાથે આવનારા મહાવતો તથા તેમના પરિવારજનોને પણ સારી સુવિધા મળી રહે તેનું ધ્યાન રાખે છે

 અમદાવાદ : રાધે કૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ (RKTEWT) એ ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ એક્ટ 1950 હેઠળ નોંધાયેલું પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટનો હેતુ બચાવવામાં આવેલા, ઇજાગ્રસ્ત, બીમાર, ઘરડાં, માણસ-જાનવર વચ્ચેના સંઘર્ષનો ભોગ બનેલા, માણસના અત્યાચારનો ભોગ બનેલા અથવા તરછોડી દેવાયેલા પ્રાણીઓ માટે શેલ્ટર સ્થાપવા અને તેમની દેખરેખ રાખવાની સુવિધા ઊભી કરવાનો છે.
આ ટ્રસ્ટને દાતાઓ પાસેથી અનેક હાથીઓ મળ્યા છે, જેમ કે સર્કસના હાથીઓ, મંદિરો અને એવા લોકો કે જેમની પાસે હાથીઓની દેખરેખ રાખવાની આર્થિક ક્ષમતા નથી. આવા હાથીઓને સંભાળ પૂરી પાડવા ઉપરાંત , આ ટ્રસ્ટ હાથીઓ સાથે આવનારા મહાવતો તથા તેમના પરિવારજનોને પણ સારી સુવિધા મળી રહે તેનું ધ્યાન રાખે છે.
રાજ્યની અંદર કે અન્ય રાજ્યોમાંથી હાથીઓને દત્તક આપવાની રજૂઆતો અને તેમને RKTEWTને સોંપવાની કામગીરી વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટ, 1972 અંતર્ગત જરૂરી તમામ કાયદેસરની કાર્યવાહી જવાબદારી હાથીને દત્તક આપનારની હોય છે.
જે હાથી દત્તક આપવાના હોય તે રાજ્યના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન (CWLW) ગુજરાતના CWLW પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) માગે છે. ગુજરાતના CWLW પાસેથી NOC મળ્યા બાદ જે તે રાજ્યના CWLW દ્વારા હાથીને મોકલવાની મંજૂરી જે તે દાતાને આપવામાં આવે છે.
સમગ્ર કાર્યવાહીના કોઈપણ તબક્કે, ઉપરોક્ત ટ્રસ્ટ વન વિભાગ પાસેથી કોઈપણ પ્રકારની પરવાનગી મેળવવામાં સામેલ થતું નથી. જોકે, હાથીના માલિક જો પ્રાણીના ટ્રાન્સપોર્ટનો ખર્ચ ઉપાડી શકે તેમ ન હોય કે તેમની પાસે પર્યાપ્ત માણસો કે સંશાધનો ન હોય તો ટ્રસ્ટ તેમને મદદ કરે છે.
ટ્રસ્ટ દ્વારા પ્રાણીની સંભાળ લેવા માટે હાથ ધરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓ વૈજ્ઞાનિક અભિગમ સાથે સંચાલિત હોય છે. ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતું કાર્ય ભારતમાં અન્યત્ર ક્યાંય થતું નથી, જેને તાજેતરમાં જ માનનીય કર્ણાટક હાઇકોર્ટ દ્વારા બિરદાવવામાં આવ્યું હતું.

(8:57 pm IST)