Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

અમદાવાદ એટીએસની ટીમે ગુપ્ત માહિતીના આધારે આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં ઓચિંતો છાપો મારી ગેરકાયદે બાયોડીઝલનો જથ્થો જપ્ત કર્યો

આણંદ : અમદાવાદ એટીએસની ટીમે મળેલ ગુપ્ત બાતમીના આધારે રવિવારના રોજ આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વડગામ ખાતેની એક ફેક્ટરીમાં ઓચિંતો છાપો મારીને ગેરકાયદેસર રીતે બાયોડીઝલ બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાત એટીએસની ટીમે આશરે લગભગ ૩ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્શોને ઝડપી પાડી આ રેકેટમાં સંડોવાયેલ અન્ય શખ્શો અંગે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.

વધુમાં મળતી માહિતી મુજબ ગુજરાત એટીએસના પી.આઈ. સી.આર.જાદવને આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વડગામ ખાતે આવેલ એક ફેક્ટરીમાં કેટલાક શખ્શો દ્વારા ગેરકાયદેસર રીતે બાયોડીઝલ બનાવી વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની ગુપ્ત બાતમી મળી હતી. જેથી ગુજરાત એટીએસની ટીમે ખંભાત તાલુકાના વડગામ ખાતે આવેલ હિન્દુસ્તાન એનવાયરો લાઈફ પ્રોટેક્શન સર્વિસ લી. ખાતે ઓચિંતો છાપો માર્યો હતો. જેમાં તપાસ કરતા બળેલા ઓઈલમાંથી બાયોડીઝલ બનાવી રી-રીફાઈનીંગની આડમાં ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે બાયોડીઝલ બનાવવા માટે વપરાતા રો-મટીરીયલ સહિત ૩,૭૦,૮૦૦  લીટરનો જથ્થો જપ્ત કર્યો હતો. જેની અંદાજિત કિંમત રૂા.૩ કરોડ ઉપરાંત થવા જાય છે. પોલીસે ગેરકાયદેસર રીતે બાયોડીઝલ બનાવવાના પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરતા આ પ્રવૃત્તિમાં અમદાવાદના પાલડી વિસ્તારના અજીમ અબુબકર લાકડીયા (ઉં.વ.૩૬), દાણીલીમડા વિસ્તારના તૌફીકભાઈ મેમણ અને અહેમદ અબુબકર લાકડીયાના નામો ખુલતા પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં અજીમ લાકડીયા માર્કેટીંગ, પરચેઝ, સેલ સાથે સંકળાયેલ હોવાનું તેમજ વડગામ ખાતેની જગ્યાના માલિક તૌફીકભાઈ મેમણ હોવાનું જાણવા મળ્યું હતું.

(4:53 pm IST)