Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

અમદાવાદઃ ઇસનપુરની સોસાયટીમાં ૧૦ ટુકડી દ્વારા ૭૩ર સેમ્પલ લેવાયાઃ ર૮ પોઝીટીવ

અમદાવાદઃ અમદાવાદ: ઇસનપુર સ્‍થિત સમ્રાટનગરમાં ૧૦ ટકુડી પહોંચી હતી અને ૭૩ર સેમ્‍પલ લેવાતા ર૮ કેશ પોઝીટીવ મળી આવ્‍યા હતા.

આવતીકાલે પણ સેમ્પલ લેવાની પ્રક્રિયા ચાલુ રહેશે તેમ કોર્પોરેશન તરફથી જણાવાયું છે. અગાઉ આ જ સોસાયટીમાં 8 પોઝિટિવ કેસો મળ્યા હતા.

ઇસનપુર વોર્ડના સમ્રાટનગરમાં 17મી ઓગસ્ટના રોજ કોરોનાના 7 પોઝિટિવ કેસો મળી આવતાં આરોગ્ય વિભાગની ટીમ 18મી ઓગસ્ટના રોજ સેમ્પલ લેવા પહોંચી ગઇ હતી. મહત્તમ સંખ્યામાં સેમ્પલ આપવા માટે જણાવવા છતાં માત્ર 13 જ સેમ્પલ લઇ શકાયા હતા. જેમાંથી એક દર્દી પોઝિટિવ આવ્યો હતો.

સોસાયટીમાં વધુ કેસ હોવાની સંભાવનાના કારણે આરોગ્ય વિભાગે 18મી ઓગસ્ટના રોજ સમગ્ર સમ્રાટનગરને માઇક્રો કન્ટેઇન્મેન્ટ હેઠળ આવરી લીધા હતા. જેમાં અંદાજીત 1 હજાર મકાનોમાં 5 હજારથી વધુ રહીશોનો સમાવેશ થાય છે. જેથી વિવાદ થયો હતો. પરિણામે આજે આરોગ્ય વિભાગની 10 ટીમો ત્યાં પહોંચી જઇને સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં 732 સેમ્પલો લેવામાં આવ્યા હતા. તેમાં 12 ઘરોમાં વધુ 28 પોઝીટીવ કેસો મળી આવ્યા હતા.

તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. સંજીવની ઘર સેવા દ્વારા તમામ દર્દીઓની નિયમિતપણે આરોગ્ય ચકાસણી કરવામાં આવશે. બીજી તરફ આવતીકાલે પણ સેમ્પલ લેવાની કામગીરી ચાલુ રહેશે.

આરોગ્ય વિભાગ દ્રારા દરેક ઘરમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિનું સેમ્પલ ચકાસણી માટે આપવામાં આવે તે માટે સોસાયટીના રહીશોને જાણ કરવામાં આવી છે. આમ આ કામગીરીથી પોઝીટીવ દર્દીઓ શોધી અને તેમને કવોરોન્ટાઇન કરવાના કારણે સંક્રમણ અટકાવી શકાશે તેમ કોર્પોરેશન દ્રારા જણાવાયું છે. મહત્તમ સંખ્યામાં લોકોને સેમ્પલીંગ કરવા માટે અનુરોધ પણ કર્યો છે.

કોરોના 19ને અટકાવવા માટેની જોગવાઇઓનો ભંગ કરનારા સામે કેસો કરવાની કોર્પોરેશને ઝુંબેશ ચાલુ રાખી છે. આજે માસ્ક વગર ફરતાં 458 લોકો સામે કેસો કરીને 4,58,000ની દંડની રકમ ઉઘરાવવામાં આવી છે. તેની સાથે ત્રણ યુનિટોને ગાઇડલાઇનનો ભંગ કરવા બદલ સીલ મારવામાં આવ્યું છે. આ કેસોમાં સૈથી વધુ પૂર્વ તથા ઉત્તર પશ્ચિમ ઝોનમાં 100થી વધુ કેસો કરવામાં આવ્યા હતા. જયારે દક્ષિણ પશ્ચિમ ઝોન તથા ઉત્તર ઝોનમાં 39 39 કેસો કરાયા હતા. જયારે પશ્ચિમમાં 61, દક્ષિણમાં 64, મધ્ય ઝોનમાં 46 કેસો કરવામાં આવ્યા હતા.

(12:48 am IST)