Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

'એક ભારત, શ્રેષ્ઠ ભારત' અભિયાન દેશને અખંડ રાખવાનો પ્રયાસઃ અશોક શર્મા

ગુજરાતની વિરાસત જાણવા-માણવા લાયકઃ ડો.ધીરજ કાકડીયા : પી.આઇ.બી. અને આર.ઓ.બી.આયોજીત વેબીનારમાં સંબોધન

રાજકોટ, તા., ૨૦: ભારત દેશ વિવિધતાથી ભરેલો દેશ છે. ઘણીવાર આપણે આપણા દેશની જાણકારીથી પણ અજાણ હોઇએ છીએ. આ ધ્યાનમાં રાખીને ભારત સરાર દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ગઇકાલે પી.આઇ.બી. અને આર.ઓ.બી.ના ઉપક્રમે યોજાયેલ વેબીનારમાં ભારત સરકારના માહીતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા અને પી.આઇ.બી.ના અપર મહાનિર્દેશક ડો. ધીરજ કાકડીયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજય છતીસગઢ રાજય સાથે જોડાયેલ છે અને બંને રાજયો એકબીજાની ભાષા, સંગીત, ભોજન, ઇતિહાસ, પર્યટન અને સંસ્કૃતિ વિશે જાણે, જેનાથી લોકો વચ્ચે સક્રિયતા વધશે બંને રાજયો વચ્ચે પરંપરા અને પ્રથાના જ્ઞાનથી એકબીજા વચ્ચેની સમજ અને સંબંધો વધશે. ગુજરાતમાં જુનાગઢ પાસે મુગલકાળથી સીદી લોકો વસેલા છે જેને લીધે આને મીની આફ્રિકાના નામથી ઓળખવામાં આવે છે. જેઓ ગુજરાતમાં દુધમાં સાકરની જેમ ભળી ગયા છે. ગુજરાતમાં જોવાલાયક સ્થળો, મંદીરો તથા પ્રચલીત મેળાઓની પણ વિસ્તૃત જાણકારી આપી હતી. ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલની કર્મભુમી છે. માનવ જીવન બહુ દુલર્ભ હોય છે. વિરાસતને જાણવા અને માણવા રાજયની એક વાર મુલાકાત લેવા છતીસગઢ રાજયને આમંત્રણ પાઠવ્યુ઼ છે.

રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના તેમજ આઇ.સી.ડી.એસ.ના ડાયરેકટર શ્રી અશોક શર્માએ ગુજરાત રાજયની વિવિધતામાં એકતા હોવાનું જણાવતા કહયું હતું કે ભારતના દરેક રાજય, જિલ્લા, ગામડામાં ભારત જોવા મળે છે. એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાનથી એક રાજય કે બીજા રાજયની સંસ્કૃતિ વિશે જાણીને ભારતને અખંડ રાખવાનો પ્રયત્ન કરશે. ગાંધીજીનું વ્યકિતત્વ ફકત ગુજરાત ભારતમાં જ નહી પણ વિશ્વમાં પણ અહિંસાના મહાન મુલ્ય તરીકે સ્થાપીત થઇ ગયું છે.

છતીસગઢના સંગ્રહાલય અને સાંસ્કૃતિક નિષ્ણાંત ડો. અશોક તિવારી, છતીસગઢના અપર મહાનિર્દેશક સુદર્શન પંટોલે, આર.ઓ.બી.ના અમદાવાદના નિયામક સરીતા દલાલે પ્રાસંગીક પ્રવચન કરેલ. આભારવિધિ ક્ષેત્રીય પ્રચાર અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ કરી હતી.

(1:02 pm IST)