Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

સુરતના સણિયાહેમાદ વિસ્તારમાં ખાડીપૂરથી પ્રભાવિતલોકોને અપાયેલાં ફૂડપેકેટો વાસી હોવાની ફરિયાદો ઉઠી

ફૂડપેકેટ વાસી અને દુર્ગંધયુક્ત હોવાની ફરિયાદો : અંદાજે 500 કરતા વધુ ફૂડ પેકેટ સ્થાનિકો દ્વારા ફેંકી દેવામાં આવ્યા હોવાની વાત પણ સામે આવી

સુરત : શહેરમાંથી પસાર થતી ખાડીઓમાં વધેલા જળસ્તરમાં અતિ થતા ધીમી ગતિએ ઘટાડાની શરૂઆત થઇ હતી. તેમ છતાંય સણિયા-હેમાદ, કુંભારિયા અને લીંબાયત ઝોન વિસ્તારના મીઠીખાડી સહિતના ખાડી કાંઠાના વિસ્તારોમાં છેલ્લાં બે દિવસથી થયેલ પાણીના ભરાવાની સમસ્યા ત્રીજા દિવસે પણ યથાવત રહી હતી. મીંઢોળા નદીમાં પાણીના સ્તરમાં અતિ ધીમી ગતિએ ઘટાડો થઇ રહ્યો છે. પરિણામે શહેરમાંથી પસાર થતી ખાડીઓમાં જમા પાણી ધીરે-ધીરે મીંઢોળા નદીના પાણીના સ્તરમાં ઘટાડો થતાં હવે પાણી ઓસરવાની શરૂઆત થશે. તંત્ર અને લાખો પ્રભાવિત લોકો માટે રાહતની વાત એ છે કે, ગતરોજ સવારથી પલસાણા, કામરેજ, બારડોલી જેવાં ખાડીને પ્રભાવિત કરનારા ઉપરવાસના વિસ્તારોમાં મેઘરાજની ગતિ ધીમી પડી ગઇ છે.

સણિયા-હેમાદ, કુંભારિયા તથા લિંબાયત ઝોનના મીઠીખાડી, કમરુનગર સહિતના પ્રભાવિત વિસ્તારોમાં પાણીના નિકાલની ગતિ સાવ ધીમી ગતિએ આજે બપોરબાદ શરુ થઇ હતી. તંત્ર દ્વારા પ્રભાવિતોને પીવાના પાણી અને ફૂડ પેકેટોની વ્યવસ્થા કરવામાં આવી હતી અને જરૂર પડ્યે તો પાંચ રાહત શિબિર પણ તૈયાર રખાયા હતા.

જોકે વિવિધ રાજકીય પક્ષોમાં ભાજપ, કોંગ્રેસ અને આપના કાર્યકરો દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં ફૂડ પેકેટ સહિતની શક્ય વ્યવસ્થા કરવામાં જોતરાયા હતા. પરંતુ, કેટલાંક વિસ્તારોમાં છેલ્લાં ત્રણ દિવસથી પાણીમાં ફસાયેલા પ્રભાવિતોની ક્રૂર મજાક થતી હોય એ રીતે આપવામાં આવેલ ફૂડપેકેટ વાસી અને દુર્ગંધયુક્ત હોવાની ફરિયાદો ઉઠી હતી અને અસરગ્રસ્તોએ આ ફૂડપેકેટો કચરાપેટીમાં ફેંકી દીધા હતા. અસરગ્રસ્તોને આપવામાં આવેલ ફૂડપેકેટ વાસી અને બગડેલા હોવાથી પ્રભાવિતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જોકે આ મામલે તંત્ર દ્વારા આ અંગે હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સણિયાહેમાદ વિસ્તારમાં ખાડીપૂરથી પ્રભાવિત લોકોને અપાયેલાં ફૂડપેકેટો વાસી હોવાની ફરિયાદો ઉઠી હતી. અંદાજે 500 કરતા વધુ ફૂડ પેકેટ સ્થાનિકો દ્વારા ફેંકી દેવામાં આવ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે.

 

(11:59 am IST)