Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

અમદાવાદમાં ધંધો શરૂ કરી 18 વેપારીઓ સાથે એક કરોડની છેતરપીંડી આચરીને દિલ્હીનો રિટેલર ફરાર

સરખેજ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અમદાવાદના મકરબામાં ધંધો શરૂ કરી 18 વેપારીઓ સાથે એક કરોડની ઠગાઈ આચરી દિલ્હીનો રિટેલર ફરાર થઇ ગયાની ઘટના પ્રકાશમાં આવી છે. આરોપીઓએ શરૂઆતમાં માલની ખરીદી પેટે સમયસર પેમેન્ટ ચૂકવી હોલસેલરો વિશ્વાસ કેળવ્યો અને બાદમાં બાકીમાં માલ લઈ ઠગાઈ કરી હતી. સરખેજ પોલીસે બનાવ અંગે ગુરુવારે રાત્રે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મકરબામાં રહેતા અને સિદ્ધાર્થ એન્ટરપ્રાઇસના નામે પ્લાસ્ટિક વસ્તુઓની ડિસ્ટ્રીબ્યુટરશીપ ધરાવતા સિદ્ધાર્થ મહેશભાઈ ટિબડેવાલે સરખેજ પોલીસ સ્ટેશનમાં આરોપી મોહિત વિજયકુમાર જૈન રહે, મૂળ દિલ્હી અને ઓર્ચીડ વ્હાઇટ ફિલ્ડ, મકરબા વિરૂદ્ધ ઠગાઈની ફરિયાદ કરી છે.

જે મુજબ આરોપીએ પ્લાસ્ટિક સામાન અને કિચનની વસ્તુઓનું વેચાણ શરૂ કર્યું હતું. આરોપી મોહિતે શરૂમાં માલસામાનની ખરીદી પેટે સમયસર પેમેન્ટ ચૂકવી બજારમાં શાખ જમાવી વેપારીઓનો વિશ્વાસ કેળવ્યો હતો.

મોહિતે બાદમાં ઉધાર માલ લેવાનું શરૂ કરી 18 વેપારીઓ પાસેથી લીધેલા માલ પેટે રૂ.91,89,55 4ની રકમ ચુકવવાની બાકી રાખી હતી. ફરિયાદી સહિતના વેપારીઓને આરોપી પૈસા ચૂકવવા અંગે વાયદા કરતો હતો. મોહિતના ભાઈઓ પણ શરૂમાં પેમેન્ટ ચૂકવવા અંગે વાત કરતા બાદમાં તેઓએ પણ મોહિત સાથે કોઈ સંબંધ ન હોવાનું જણાવી દીધું હતું. વેપારીઓને તેના ભાઈઓએ મોહિત પાસે પૈસાની ઉઘરાણી કરવા જણાવ્યું હતું. બીજી તરફ મોહિત ઘર અને ઓફિસ બંધ કરી ગાયબ થઈ ગયો હતો. બનાવ અંગે ફરિયાદી સહિતના વેપારીઓએ સરખેજ પોલીસ સ્ટેશનમાં રજુઆત કરતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:03 am IST)