Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

અમદાવાદના બાપુનગરમાં નાકે દમ લાવી દેનાર ગૌરવ ઉર્ફે ગૌરાંગ ચૌહાણની ગેંગના 5 શખ્‍સો સામે ગુજસીટોકનો ગુન્‍હોઃ એક શખ્‍સની ધરપકડઃ જેલમાં રહેલા 4 સામે વધુ એક ગુન્‍હો

હત્‍યા, હત્‍યાની કોશિષ, વ્‍યાજખોરી, ખંડણી સહિતના અનેક ગુન્‍હામાં સંડોવણી

અમદાવાદ: શહેરમાં આતંક મચાવી પોલીસના નાકે દમ લાવનાર સામે પોલીસે ગાળિયો કસ્યો છે. બાપુનગર પોલીસે એક ગેંગના પાંચ લોકો સામે ગુજસીટોકનોં ગુનો નોંધ્યો. આ તમામ લોકો જેલમાં રહે તો જ નાગરિકો સુરક્ષીત રહે તે હેતુથી પોલીસે કાર્યવાહી કરી. શહેરના પૂર્વ વિસ્તારમાં ગૌરવ ઉર્ફે ગૌરાંગ ચૌહાણની એક ગેંગે નાકે દમ લાવી દીધો હતો. આ ગેંગના સભ્યોએ 10થી વધુ પ્રકારના અલગ અલગ ગુનાને અંજામ આપ્યો હતો. જેથી પોલીસે ગૌરવ સહિત પાંચેય આરોપીઓ સામે ગાળિયો કસવા ગુજસીટોકનો ગુનો નોંધ્યો. આરોપીઓ 10 વર્ષથી આ ગેંગ ચલાવતા હથિયાર રાખી કોઈની પર હુમલો કરતા આ આરોપીઓ સહેજ પણ ખચકાતા નહિ.

આ ગેંગના સભ્યોની વાત કરીએ તો તમામ લોકો હત્યા, હત્યાની કોશિશ, વ્યાજખોરી, મારામારી, ખંડણી, ધમકી, લૂંટ, ધાડ, પ્રોહીબિશન અને આર્મ્સ એકટના ગુના આચરી ચુક્યા છે. છેલ્લા 10 વર્ષથી આ ગેંગ સક્રિય હતી. જેનાથી પોલીસ ત્રાહિમામ પોકારી ઉઠી હતી. આરોપી ગૌરવ તેના ભાઈ સાથે કોલ સેન્ટર ચલાવતો હતો અને ગૌરવ ઉર્ફે ગૌરાંગ ચૌહાણએ 25 જેટલા ગુના આચર્યા છે. જ્યારે સંજય ઉર્ફે મેબલો ભદોરીયાએ 12કૃણાલ ઉર્ફે લાલો બારોટર 10, રાહુલ ઉર્ફે સર્કિટ શાહએ 8 અને અજય ઉર્ફે કાંચો ભદોરીયાએ 6 ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આમ ગુના આચરવા ગેંગ બનાવનાર સામે હવે પોલીસે ગાળિયો કસી આ ગેંગના સંજય ઉર્ફે મેબ્લોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓ હાલ જેલમાં હોવાથી આગામી દિવસોમાં તે લોકો સામે પણ કાયદેસરની કાર્યવાહી થશે.

આ જ ગેંગના સભ્યો અગાઉ પકડાયા ત્યારે તેઓના ઘરમાંથી પોલીસે રોકડ રકમ કબજે કરી હતી. આરોપીઓની પૂછપરછ અને તપાસ દરમિયાન આ કબ્જે કરેલા પૈસા ટેબલ પર પોલીસે મુકતા તે પૈસા પોલીસે લઈ લીધા હોવાના આક્ષેપ કરાયા હતા. આમ પોલીસ આ આરોપીઓથી ગુનાઓને અંજામ આપવાથી માંડી આક્ષેપ કરવા સુધી કંટાળી ગઈ હતી. પ્રજા પણ ત્રાહિમામ પોકારી ઉઠતા પોલીસે ગુજસીટોકનો ગુનો નોંધી તમામ લોકોની શાન ઠેકાણે લાવવા પ્રયાસ કર્યો છે.

(5:00 pm IST)