Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

નર્મદા જિલ્લાના મોટાં લિમટવાડા ગામે મત્સ્ય બિજ ઉછેર કેન્દ્રના તળાવમા કોઈક ઝેરી દવા નાંખી દેતાં લાખો માછલીઓના મોત

મત્સ્ય વિભાગમા કરાર ઉપર ડ્રાઈવરની નોકરી કરતાં કૌશિકે ચતુરાઈ પુર્વક 28 લાભાર્થીઓનુ સમુહ બનાવી પોતાના જ વિભાગ પાસેથી કરોડો મત્સ્ય બિયારણ મેળવી મત્સ્ય વિભાગના અધિકારીઓ સાથે મિલીભગત કરી કૌભાંડ કર્યાની આશંકા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના મોટા લિમટવાડા ગામે ખેતરમા તળાવ બનાવી મત્સ્ય ઉછેર કરતાં ખેડુતના તળાવમા કોઈકે ઝેરી દવા નાંખી દેતાં લાખો મત્સ્ય બિજ મરણ પામતાં ભારે આર્થિક નુકશાન થવાનો અંદાજ છે.
  મત્સ્ય બિજ ઉછેર કેન્દ્રના તળાવમા 28 જેટલાં અનુસુચિત જાતિના લાભાર્થીઓનો સમુહ બનાવી નર્મદા જીલ્લાની કલેકટર કચેરીમા આવેલી મત્સ્ય વિભાગ કચેરીમાથી સરકારી સહાય મેળવી નાનાં લિમટવાડા ગામની સીમ મા મત્સ્ય બિજ ઉછેર કેન્દ્ર તળાવ સ્વરુપે આવેલ છે,જેમાં મત્સ્ય વિભાગ તરફથી 45 લાખ જેટલી માછલાંઓનુ બિયારણ લાભાર્થીઓના લાભ અર્થે તળાવમા નાંખવામાં આવ્યું હતું.
  જેમાં મળતી માહિતી અનુસાર મત્સ્ય વિભાગમા ડ્રાઇવર તરીકે કરાર આધારીત નોકરી કરતાં કૌશિક નામના ડ્રાઈવરે અનુસુચિત જાતિના 28 લાભાર્થીઓનો સમુહ બનાવી સુંદર વસાવા નામના અન્ય એક ભાગીદાર તેમજ મોટા લિમટવાડાની સીમમા ખેતર ધરાવતાં માલીક વિક્રમભાઈ વસાવા સાથે મળીને મૌખીક ભાગીદારીના આધારે મત્સ્ય બિજ ઉછેર કેન્દ્ર શરુ કરવાની યોજના અમલમા મુકવામાં આવી હતી.
  પરંતુ મત્સ્ય વિભાગમા છુટક ડ્રાઈવર તરીકે નોકરી કરતા કૌશિકે અન્ય ભાગીદારોની જાણકારી બહાર 50 હજાર રુપિયાની કીંમતનુ બિયારણ તળાવમાથી કાઢી વેચી મારતાં જમીન માલિક તથા અન્ય ભાગીદારો વચ્ચે આ બાબતને લઈને વિવાદ થયો હતો, અને મત્સ્ય વિભાગના ડ્રાઈવરે હજી પણ તળાવમાથી બિયારણ કાઢી જવાની ધમકી આપી હતી,જેના બે ત્રણ દિવસ પછી કોઈકે તળાવમા ઝેરી દવા નાંખી દેતાં લાખો મત્સ્ય બિજના મરણ થવાની સાથેજ  લાખો રુપિયાના નુકશાન સાથે આ આખા વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યુ છે.
આ માટેની પોલીસ ફરિયાદ નોંધાવા માટે ખેડુત વિક્રમભાઈ વસાવાએ, જીલ્લા કલેક્ટર નર્મદા, મત્સ્ય ઉદ્યોગ કમિશનર તેમજ રાજપીપળા પોલીસ સ્ટેશનમા અરજી આપી તપાસની માંગ સાથે ગુનેગાર સામે ફરિયાદ દાખલ કરવાની પણ  તજવીજ હાથ ધરી છે.

(10:09 pm IST)