Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

વડાપ્રધાન મોદી ગુરુવારે દક્ષિણ ગુજરાતની મુલાકાતે:લોકોને હજારો કરોડની ભેટ આપશે

પાણી પુરવઠાની યોજનાઓ તેમજ ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કાર્યોનું અને લોકાર્પણ કરશે: સાપુતારાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જોડતા રોડને પહોળો કરીને ત્યાં જરૂરી સુવિધાઓ વિકસિત કરવાના પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરાશે

અમદાવાદ :વિધાનસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, જેમાં પ્રથમ દિવસે સૌરાષ્ટ્રમાં વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદી ગુરુવારે દક્ષિણ ગુજરાતની મુલાકાતે જશે.વડાપ્રધાન મોદી દક્ષિણ ગુજરાતના લોકોને હજારો કરોડ રૂપિયાની ભેટ આપશે. જેમાં તાપી, નર્મદા અને સુરત જિલ્લામાં તેઓ પાણી પુરવઠાની યોજનાઓ તેમજ ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કાર્યોનું  અને લોકાર્પણ કરશે. ઉપરાંત સિવાય સાપુતારાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જોડતા રોડને પહોળો કરીને ત્યાં જરૂરી સુવિધાઓ વિકસિત કરવાના પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવશે.વડાપ્રધાન મોદીના કાર્યક્રમની વાત કરીએ તો તાપી તથા નર્મદા જિલ્લામાં રૂપિયા 302 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગની ચાર યોજનાઓ હેઠળ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ રસ્તો 237 કિમીનો છે, જેમાંથી પ્રથમ તબક્કામાં 92 કિમી લંબાઇ પર કામગીરી કરવામાં આવશે. આ રોડ યોગ્ય રીતે વિકસિત થઇ જાય, ત્યારબાદ પ્રવાસીઓ સાપુતારા, શબરીધામ, ઉકાઈ ડેમ, દેવમોગરા, ઝરવાણી ધોધ જેવા પ્રવાસન સ્થળોની મજા માણીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી શકશે. તેના લીધે સ્થાનિક સ્તરે રોજગારીમાં પણ વધારો થશે. તેના લીધે મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ગામો સાથે પણ સંપર્ક વધશે.

આદિજાતિના લોકોનો સર્વાંગી વિકાસ થાય અને પાયાની સુવિધા મળી રહે તે માટે સરકારે અવિરત પ્રયાસો કર્યા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના પ્રથમ તબક્કામાં તાપી જિલ્લામાં કુલ 42,763 કુટુંબોને વિનામૂલ્યે ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ વર્ષ 2016થી 2022 દરમિયાન જિલ્લામાં કુલ 7401 લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવ્યા છે.

સુરત અને તાપી જિલ્લામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા સોલાર પાવર પ્રોજેક્ટ અને સબ સ્ટેશનની 6 કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.તો સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડની કામગીરીનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે..આ પ્રોજેક્ટ પાછળ રૂપિયા 1669 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

(12:23 am IST)