Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

રાજયના સાધુ સમાજના પૂજારીઓને ખેડૂત તરીકેના દરજજાથી વંચિત ન રાખવા પરેશ ધાનાણીની રજૂઆત

રાજકોટ, તા.૨૦: રાજ્‍યના સાધુ સમાજના પૂજારીઓને ખેડૂત તરીકેના દરજજાથી વંચિત ન રાખવા વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ રજૂઆત કરી છે.
વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ રજૂઆતમા વધુમાં જણાવ્‍યું છે કે, ગુજરાતના સાધુ સમાજના પૂજારીઓને સરકારશ્રીના મહેસુલ વિભાગ ગાંધીનગરના તા.૯-૪-૨૦૧૦ના પરિપત્ર ક્રમાંકઃ એસ-૩૦-૨૨૦૭-૩૩૪૭-ઝથી ખેડૂત તરીકેના દરજજાથી બાકાત રાખેલ છે. આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્‍કાર કરવાની રાજ્‍યના સાધુ સમાજે જાહેરાત કરેલ છે અને પોતાનો હક્ક મેળવવા સારૂ ગાંધીનગરમાં છેલ્લા ૧૨ દિવસથી ઉપવાસ ઉપર બેઠેલ છે. આ બાબતના સમાચારો વિવિધ સમાચાર માધ્‍યમમાં પ્રસિધ્‍ધ થયેલ છે જેની નકલ સામેલ છે.
મહેસુલ વિભાગના તા.૯-૪-૨૦૧૦ના પરિપત્રથી સાધુ સમાજના પૂજારીઓને ખેડૂત તરીકેના દરજજાથી બાકાત કરેલ છે, જેથી તેઓ અન્‍ય જગ્‍યાએ આશ્રમ કરવા માટે ખેતીની જમીનો ખરીદ કરી શકતા નથી. સાધુ સમાજ સંગઠન ઘણા લાંબા સમયથી સરકારશ્રીમાં વિવિધ કક્ષાએ રજૂઆત કરી રહેલ હોવા છતાં તેઓને ન્‍યાય મળેલ ન હોઈ ગુજરાતના સાધુ સમાજના હિતમાં સકારાત્‍મક નિર્ણય લઈ પુજારીઓ ધાર્મિક સંસ્‍થા ઉભી કરવાના હેતુથી જમીન ખરીદી શકે અને તેઓને ખેડૂત તરીકેનો દરજજો મળે તેવો નિર્ણય થવા મેં વિરોધપક્ષના નેતા તરીકે પત્ર ક્રમાંકઃ LOP/VIP/૩૭/૨૦૨૦, તા.૧૫-૨-૨૦૨૦ના પત્રથી તત્‍કાલીન મહેસુલ મંત્રીશ્રીને વિનંતી કરેલ, જેની નકલ આ સાથે સામેલ છે.
સાધુ સમાજની માંગણી મુજબ ધાર્મિક સંસ્‍થાને પ્રાપ્ત થતી જમીનના કબ્‍જેદાર તરીકે આવી સંસ્‍થાઓને ગણવામાં આવેલ છે પરંતુ આવી સંસ્‍થાના પુજારીઓને ખેડૂત તરીકેનો દરજજો મળતો નહીં હોવાનાં કારણે અન્‍ય જગ્‍યાએ બીજી સંસ્‍થા ઉભી કરવા માટે પુજારીઓના નામે તેઓ જમીનો ખરીદી શકતા નથી.
આથી, ગુજરાતના સાધુ સમાજના હિતમાં સરકારશ્રી કક્ષાએથી સકારાત્‍મક નિર્ણય કરી, ધાર્મિક સંસ્‍થા ઉભી કરવાના હેતુથી પુજારીઓ રાજ્‍યમાં જમીન ખરીદી શકે અને તેઓને ખેડૂત તરીકેનો દરજજો મળે તેવો નિર્ણય કરવા વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ માંગણી કરી છે.

 

(10:37 am IST)