Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

ભરૂચ સ્‍થિત ઐતિહાસિક ધી પ્રોગ્રેસીવ હાઈસ્‍કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે ‘રઢિયાળી રાત' કાર્યક્રમ યોજાયો

ખ્‍યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત લોકગીતો-રાસ-ગરબાની રમઝટ

રાજકોટ તા.૨૦: ભરૂચ સ્‍થિત આઝાદી પૂર્વે ૧૯૪૩માં સ્‍થપાયેલી ઐતિહાસિક ધિ પ્રોગ્રેસીવ હાઈસ્‍કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે રઢિયાળી રાત કાર્યક્ર્‌મ આયોજન થયું હતું. નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્‍કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી દિવાળીના તહેવારો પહેલા આ પ્રેરક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ પાસે આવેલ સરવા ગામનાં મૂળ વતની અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચને પોતાની કર્મભૂમિ બનાવનાર વિશ્વવિખ્‍યાત લોકગાયક અભેસિંહ રાઠોડે ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાની રમઝટ બોલાવીને સહુને ડોલાવી દીધા હતા. પૌત્ર અને યુવા લોકગાયક આદિત્‍યસિંહ રાઠોડે પણ બખુબી સાથ આપ્‍યો હતો. શાળાના પૂર્વ-પ્રાથમિક, પ્રાથમિક, માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગનાં ૧૪૦૦ જેટલાં વિદ્યાર્થીઓ ગરબે રમ્‍યાં હતાં. શિક્ષિકો અને વાલીઓ પણ જોડાયાં હતાં.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, શાળાના ટ્રસ્‍ટી ઝવેરભાઈ પટેલ, સંચાલક મિહિરસિંહ રાઠોડ, આચાર્યા નેહાબેન ઝાલા, સુપરવાઈઝર ચેતનાબેન રાજ, શિક્ષકગણ અને વાલીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

૧૯૪૭ - જાન્‍યુઆરીમાં ઝવેરચંદ મેઘાણી લોકમાતા નમર્દાનાં તીરે-તીરે પરિભ્રમણ કરીને અભિભૂત થયેલા. ભરૂચ, કબીરવડ, શુક્‍લ-તીર્થ, નિકોરાની મુલાકાત લીધેલી. ભરૂચના ભરૂચા હોલમાં પણ એમણે દેશભકિતનાં ગીતો રજૂ કર્યાં હતાં. ૦૯ માર્ચ ૧૯૪૭ના રોજ ૫૦ વર્ષની વયે ઝવેરચંદ મેઘાણીનું નિધન થતાં, દક્ષિણ ગુજરાતના લોકગીતો વિશે સંશોધન કરવાની એમની ઈચ્‍છા અપૂર્ણ રહી. આથી આ કાર્યક્ર્‌મનું સવિશેષ મહત્‍વ રહ્યું. (૨૨.૧૦)

:આલેખનઃ

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન

(મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(10:52 am IST)