Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

કાજુ કતરી મોંઘી બની : ચોકલેટ, કુકીઝ, મફીન્‍સની ડીમાન્‍ડ

ડ્રાયફ્રૂટના ધંધામાં પણ ડિમાન્‍ડ નીકળી : ૧૫ ટકાનો ભાવ વધારો : વેપારીઓની દિવાળી સુધરી : ઇમ્‍પોર્ટેડ ચોકલેટના ભાવમાં વધારો છતાં બજારમાં લાવ-લાવની સ્‍થિતિ : ગિફટ આપવા માટે સુંદર વિકલ્‍પ

અમદાવાદ તા. ૨૦ : આ દિવાળીમાં તમામ પ્રકારની ખરીદી માટે લોકો મન મુકીને નિકળ્‍યા છે. ખરીદીનો આનંદ લોકો ભરપૂર માણી રહ્યા છે અને સામે વેપારીઓને આ વર્ષે ખરેખર દિવાળીનો ધંધો થવાની આશા છે. દિવાળીમાં સામાન્‍યપણે કોર્પોરેટ હાઉસિસ સિવાય પારિવારિક ભેટ-સોગાદમાં મીઠાઈનું અને તેમાં ય ખાસ કરીને વિવિધ પ્રકારની કાજુ કતરીના પેકેટ્‍સ આપવાનું ચલણ રહ્યું છે. પરંતુ આ વખતે કાજુ કતરીના ભાવ એ હદે વધેલા છે કે કેટલાય લોકોને તે પોષાય તેમ નથી. અત્‍યારે રૂ.૧,૦૦૦થી ૧,૨૦૦માં કાજુ કતરીના ૪૦-૪૫ પીસનું બોક્‍સ મળે છે. પરંતુ શહેરવાસીઓએ સામે નવો આકર્ષક અને પ્રમાણમાં સસ્‍તો વિકલ્‍પ શોધ્‍યો છે.

આ વખતે ઈમ્‍પોર્ટેડ ચોકલેટ્‍સ, કૂકીઝ અને સાથે શહેરમાં જ કેટલાક લોકોએ ઘરે બનાવેલા મફીન્‍સનો ઉપાડ વધ્‍યો છે. આનું કારણ દર્શાવતા વેપારીઓ કહે છે કે, હજાર-બારસોમાં ઈમ્‍પોર્ટેડ ચોકલેટ અને કૂકીઝની સંખ્‍યાની સાથે વિદેશી સ્‍વીટ આપી હોવાની ફેશન પણ સજાવાઈ જતી હોવાથી અનેક લોકોએ આ ખરીદી ભેટ આપવાનું વલણ અપનાવ્‍યું છે.

ઈમ્‍પોર્ટેડ ચોકલેટના ભાવોમાં ૪૦ ટકા સુધીનો વધારો થયો હોવા છતાં ગિફટમાં સૌથી વધુ તે આપવામાં આવી રહી છે. સામાન્‍ય દિવસોમાં જે ચોકલેટનું પેકેટ રૂ.૬૦૦માં મળતું હતું તે વધીને અત્‍યારે રૂ.૮૪૦માં મળે છે. ચોકલેટના વેપારીઓ જુદાજુદા આકર્ષણવાળા પેકેટમાં ચોકલેટ મુકીને તૈયારી કરીને કંપનીઓ અને ગીફટની દુકાનોમાં આપતા હોય છે. કોર્પોરેટ હાઉસ, મોટા શો-રૂમ સહિતનાએ ઈમ્‍પોર્ટેડ ચોકલેટોના ગિફટ પેકેટો તૈયાર કરાવ્‍યા છે. બીજી તરફ હોમમેડ ચોકલેટની પણ માંગ છે. હોમમેડ ચોકલેટ બનાવવા માટે વપરાતા ચોકલેટ ઈનેમલ ખાલી થઈ ગયા છે. ચોકલેટના વેપારીના જણાવ્‍યા મુજબ દર વર્ષ કરતા આ વર્ષે ૪૦ ટકા વધુ વેપાર થઈ રહ્યો છે. એમાંય કેટલી ઈમ્‍પોર્ટેડ ચોકલેટ ખાલી થઈ જતા હૈદરાબાદ અને મુંબઈથી મંગાવી પડી હતી.

 

મીઠાઈ, ફરસાણમાં હોમમેડની સૌથી વધુ ડિમાન્‍ડ

દિવાળીના તહેવારમાં મીઠાઈ અને ફરસાણનું ચલણ વધુ હોય છે. દિવાળીના તહેવારમાં મહેમાન ઘરે આવે ત્‍યારે ફરસાણ અને મીઠાઈ ડીસમાં મુકવામાં આવતી હોય છે. જેના લીધે દિવાળીમાં લોકો બહારથી મીઠાઈ લાવતા હોય છે અને ઘરે ફરસાણ બનાવતા હોય છે. પરંતુ આ વર્ષે મોટાભાગના લોકોએ ઘરે બનાવવાની જગ્‍યાએ ઘર-ગથ્‍થુ ખરીદવાનું પસંદ કરી રહ્યાં છે. જેમાં મોહનથાળ, ટોપરાપાક, કેસરબુંદી, મગસ, મેસૂબ જેવી મીઠાઈ રૂ.૪૦૦ થી ૬૦૦માં બનાવીને વેચાણ કરે છે. આ ઉપરાંત રતલામી સેવ, સુકીભેળ, ચવાણું મીકસ, મોળીબુંદી, તીખી બુંદી, મોળો-તીખો ચેવડો, ઘુઘરા, સુંવાળી, દહીંતરા ઘરે બનાવીને વેચાણ થઈ રહ્યું છે. દિવાળીના તહેવારમાં મઠીયા અને ચોળાફળી વગર દિવાળી અધૂરી કહેવાય છે ત્‍યારે આ વર્ષે શુધ્‍ધ સીંગતેલમાં તળેલા તૈયાર મઠીયા અને ચોળાફળીનું વેચાણ વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે. જેના લીધે ફરસાણની દુકાનોમાં ફરસાણ પડી રહે તેવી સ્‍થિતિ છે.

 

મુખવાસના ભાવોમાં ૧૫ ટકાનો વધારો થયો

દિવાળીમાં વિવિધ પ્રકારનો મુખવાસ નીકળ્‍યા છે. મુખવાસના ભાવોમાં પણ ૧૫ ટકા સુધીનો વધારો થયો છે. જેમાં ધાણાની દાળ રૂ.૩૫૦ થી ૪૦૦ કિલો, મસાલા ખારેક રૂ.૫૬૦નો કિલો મળી રહી છે. લીલા પાન મસાલા રૂ.૬૦૦ના કિલો, ચોકલેટ મુખવાસ રૂ.૬૫૦, આમળા, મુખવાસ રૂ.૩૫૦ થી ૫૫૦ કિલોનો મળી રહ્યો છે.

(4:14 pm IST)