Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

નડિયાદ ખેડા હાઇવે પર અજાણ્યા વાહનની હડફેટે દંપતીનું ગંભીર ઇજાથી મૃત્યુ નીપજ્યું

નડિયાદ : નડિયાદ ખેડા હાઇવે રોડ પર આવેલા સંધાણા ગામની સીમમાં સવેરા હોટલ સામે કોઈ અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં સ્કૂટરસવાર દંપતિનું ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈ ફરાર થઈ ગયો હતો. અમદાવાદ જમાલપુર વિસ્તારમાં રહેતું દંપતી પલાણા ખાતે કમરના દુઃખાવાની દવા લેવા સ્કૂટર પર જઇ રહ્યું હતું. તે દરમિયાન અકસ્માત સર્જાતા ગંભીર ઇજા થવાથી બન્નેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે માતર પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદ જમાલપુર પાંચપીપળી પોલીસ સ્ટેશન ચોકી સામે ઉઝેર રફિકભાઈ બરોડાવાલા રહે છે. તેમના પિતા રફિકભાઈ તથા માતા રેહાનાબેન બુધવારે સવારે છ વાગે પોતાનું એક્ટિવા સ્કૂટર લઈ પલાણા ગામે કમરના દુઃખાવાની દવા લેવા માટે જઇ રહ્યાં હતા. તેઓ માતર તાલુકાના સંધાણા ગામની સીમમાં આવેલી સવેરા હોટલ સામેથી પસાર થઇ રહ્યાં હતાં ત્યારે કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ અને પુરઝડપે હંકારી રફિકભાઈના એક્ટિવાને ટક્કર મારતાં અકસ્માત થયો હતો. તેમાં સ્કૂટરસવાર દંપતિ ફંગોળાઈને રોડ પર પટકાયુ હતું. જેથી તેમેને ગંભીર ઇજાઓ થતાં બન્નેનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતાં માતર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને લાશનું ઇન્કવેસ્ટ ભરી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. આ બનાવ સંદર્ભે ઉઝેર બરોડાવાલાની ફરિયાદના આધારે માતર પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:11 pm IST)