Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

વસો તાલુકાના દંતાલી ગામની સીમમાં ગેરકાયદે અનાજનો જથ્થો ભરેલ ટ્રકને પોલીસે ઝડપી પાડ્યો

નડિયાદ  : વસો તાલુકાના દંતાલી ગામની સીમમાં હોટલ પાસેથી પસાર થતી અનાજનો જથ્થો ભરેલી એક ટ્રકને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ટીમે ઝડપી પાડતા ગેરકાયદે અનાજની હેરાફેરી કરતા ઈસમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસે  ગાડી કબ્જે કરી વસો મામલતદારને લેખિત રિપોર્ટ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ ડી.પોસઈ એસ એસ મહામુનકર પોતાના સ્ટાફ સાથે નડિયાદ ખેડા જિલ્લા ખાતે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમિયાન તેઓ નેશનલ હાઇવે નંબર-૪૮ પર આવેલ દંતાલી ગામની સીમમાં રામદેવ હોટલ પાસેથી પસાર થતા હતા. તે વખતે એક ટ્રક પર શક જતા પોલીસે તેને ઉભી રાખવાની કોશિષ કરતા ટ્રકને હોટલના કમ્પાઉન્ડમાં ઉભી રાખી હતી. પોલીસે ટ્રકના ચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ વિનોદ લાલજી યાદવ (રહે, યુપી ઉત્તર પ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. ગાડીમાં કન્ટેનરમાં પાછળ શું ભર્યું છે ? જે સંદર્ભે પૂછતાં ચાલક વિનોદ યાદવે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. તેમજ ગાડીના માલિક વિશે પૂછતાં કોઈ જવાબ આપેલ નહીં. જેથી પોલીસને વધુ શંકા જતા ગાડીમાં અનાજ ભરેલ છે અને આ અનાજ ક્યાંથી ભરેલ છે ? આ જથ્થો કોનો છે ? ક્યાંથી ભરેલ છે ? ક્યાં લઈ જવાનો છે ? તે બાબતે પણ કોઈ જવાબ આપ્યો ન હતો. જેથી આ અનાજ ચોરી અથવા જળ કપટથી મેળવી ભરેલાનું પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું હતું. આ સંદર્ભે સીઆઇડી ક્રાઇમ પોલીસે મામલતદાર જે.પી.ઝાલાને જાણ કરતાં તેઓ રૂબરૂ આવ્યા હતા. જ્યાં પંચો રૂબરૂ પાછળનું બારણું ખોલાવતા અનાજનો જથ્થો હોવાનું માલુમ પડયું હતું. સદર અનાજ બાબતે એફએસએલે સેમ્પલ લઇ કાર્યવાહી હાથ ધરી છે. જે સંદર્ભે સીઆઇડી ક્રાઈમ પોલીસે ગાડી, ડ્રાઇવર તથા મુદ્દામાલ મામલતદારને સોંપેલ હોવાનું જાણવા મળે છે.  

(6:11 pm IST)