Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે દેશના પ્રથમ સોલાર વિલેજ સુજાણપુર ગામની મુલાકાત લીધી

મુલાકાત દરમિયાન તેઓએ મોઢેરા ખાતે આવેલ થ્રી-ડી પ્રોજેક્શન મેપિંગ તેમજ મોન્યુમેન્ટ લાઇટિંગની મુલાકાત લીધી હતી

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ મહેસાણાના પ્રવાસે આવ્યાં હતાં. જયાં તેઓએ તેમના પ્રતિનિધિ મંડળ સાથે સુજાનપુર ખાતે આવેલ ભારતના પ્રથમ સૌર ઉર્જા સંચાલિત મોઢેરા સૂર્ય ગ્રામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ મોઢેરા ખાતે આવેલ થ્રી-ડી પ્રોજેક્શન મેપિંગ તેમજ મોન્યુમેન્ટ લાઇટિંગની મુલાકાત લીધી હતી. પીએમ મોદી દ્વારા સૌર ઊર્જાથી સંચાલિત મોઢેરા સૂર્યગ્રામ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતુ. વડાપ્રધાન એ સુર્યગ્રામ વિશે કહ્યુ હતુ કે, વિશ્વમાં જ્યારે પણ સૌર ઊર્જાની વાત આવશે ત્યારે મોઢેરાને યાદ કરવાની ફરજ પડશે. મોઢેરા ગામને આ પ્રોજેક્ટ થકી 24  કલાક સૌરઊર્જા પૂરી પાડવામાં આવશે. સુર્યગ્રામની આ યોજનાથી માત્ર વીજળી જ નહીં પરંતુ તેના વપરાશ બાદ નાણાં પણ મળશે અને વીજ બીલમાંથી છુટકારો થશે. 

મોઢેરા ‘સુર્યગ્રામ’ની મુલાકાત લેતા સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે કહ્યુ કે, આ પ્રોજેક્ટની મુલાકાત લઇને ખૂબ આનંદ થયો. આ માત્ર સોલાર પ્રોજેક્ટ નથી, પરંતું ઉજ્જવળ ભવિષ્યનાં સમુદાયને શ્રેષ્ઠ બનાવવાનો એક સામાજિક પ્રોજેક્ટ છે. ભારતીય સંસ્કૃતિ સૂર્યની સાથે જોડાયેલી સંસ્કૃતિ છે. અહીં સૂર્યનાં મંદિરો આવેલા છે. આપણે સૌ સુર્યની ઉર્જાનો ઓછો ઉપયોગ કરીએ છીએ. પરંતું આ પ્રકારનાં પ્રોજેક્ટ થકી હવે લોકોને સૂર્યઉર્જાની મહત્વતા વિશે ખબર પડશે. આજે મોઢેરા ગામ અને આ પ્રોજેક્ટની મુલાકાત લઇને આનંદ થયો.

ઉર્જામંત્રી કનુ દેસાઈએ સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ એન્ટોનિયો ગુટેરસનો આભાર વ્યકત કરતાં જણાવ્યું હતુ કે, ગુજરાત હાલ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે. મોઢેરામાં સુર્ય ભગવાનનું મંદિર આવેલુ છે. અહિ આ વિશાળ સોલાર પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રમોદીના દૂરંદેશીપણાથી જ શકય બન્યું છે. હાલમાં મોઢેરા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ નું આઈકોન બન્યું છે. મોઢેરાના 1300થી વધુ મકાનોની છતો પર 1 KW સોલાર રૂફ ટોપ સિસ્ટમ લગાડવામાં આવી છે. અત્યાર સુધી સરકાર વીજળી ઉત્પાદન કરતી અને લોકો ખરીદતા હતા, પણ હવે તેમાં બદલાવ આવ્યો છે. લોકો ઘરોમાં સોલાર પેનલ લગાવે, ખેડૂતો ખેતરમાં વીજળી ઉત્પન કરે અને સરકાર ખરીદે છે. આ પરિસ્થિતિના કારણે લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે.

આ મુલાકાત દરમિયાન સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ, ઉર્જા મંત્રી કનુ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશપટેલ, ભારતના સંયુક્ત રાષ્ટ્રના રિપ્રેઝન્ટેટિવ રુચિરા કંબોજ, ગુજરાત પાવર કોર્પોરેશન નિગમનાં એમ.ડી. મમતા વર્મા, મહેસાણા કલેક્ટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. ઓમપ્રકાશ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ તકે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ ઊર્જા મંત્રી કનુ દેસાઈ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં ઊર્જા વિભાગના અગ્રસચિવ સુશ્રી મમતા વર્મા દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે  એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું કે આ માત્ર સોલાર પ્રોજેક્ટ નથી, પરંતુ ઉજ્જવળ ભવિષ્યના સમુદાયને શ્રેષ્ઠ બનાવવાનો એક સામાજિક પ્રોજેક્ટ છે. આમ જણાવી તેમણે લોકોને સૌર ઊર્જાના શક્ય તેટલા વધુ ઉપયોગ પર ભાર મૂક્યો હતો.

(9:20 pm IST)