Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

એકતાનગર ખાતેથી મિશન લાઇફનું ગ્લોબલ લોંચિંગ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી

પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા માટે વિશ્વના વિવિધ નેતાઓને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરાહના કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એકતાનગર ખાતેથી મિશન લાઇફનું ગ્લોબલ લોચિંગ કરતા જણાવ્યું કે, ભારત આજે સમગ્ર વિશ્વમાં પ્રગતિ અને પ્રકૃતિ વચ્ચે સંતુલનનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.

દેશમાં વન વિસ્તાર વધવા સાથે વન્ય જીવોની સંખ્યામાં પણ વૃદ્ધ થઇ રહી છે. તબક્કાવાર લેવાયેલા પગલાંઓને પરિણામે ભારત પર્યાવરણના સંરક્ષણની દિશામાં મક્કમતાથી આગળ વધી રહ્યું છે.

 તેમણે ઉમેર્યું કે, વિશ્વમાં ચાર ટનની સાપેક્ષે ભારતમાં કાર્બન ફૂટ પ્રિન્ટનું પ્રમાણ માત્ર પ્રતિ વ્યક્તિ દોઢ ટન છે. ભારત જળ વાયુ પરિવર્તન જેવી વૈશ્વિક સમસ્યાના સમાધાન માટે સૌથી અગ્રીમ હરોળમાં કામ કરી રહ્યું છે. રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ અને સર્ક્યુલર ઇકોનોમી તો હજારો વર્ષોથી ભારતીય જીવનશૈલીના અંગ રહ્યા છે.
  જલવાયુ પરિવર્તન સામેની લડાઈમાં વિશ્વમાં એકતાની મહત્વતા વ્યક્ત વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારતના ગૌરવ સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીના પરિસર એકતાનગરથી વિશ્વના પહેલાં ‘મિશન લાઇફ’નું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે "વિશ્વની સૌથી મોટી પ્રતિમા નિર્ધારિત લક્ષ્યોને હાંસલ કરવા માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે.
  જ્યારે લક્ષ્ય અસાધારણ હોય છે, ત્યારે તેનું પરિણામ વિશાળ હોય છે", તેમ કહેતા મોદીએ જણાવ્યું કે, પુનઃપ્રાપ્ય ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં પગલાં શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. રાજ્યના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે નહેરો પર સોલાર પેનલ લગાવવાની હોય કે પછી જળ સંરક્ષણની યોજનાઓ શરૂ કરવાની હોય, ગુજરાત હંમેશા અગ્રણી અને ટ્રેન્ડસેટર સ્ટેટ તરીકે આગળ આવ્યું છે.
 જલવાયુ પરિવર્તન એ ફક્ત નીતિ સાથે સંબંધિત એક મુદ્દો છે તે વિચાર પ્રક્રિયા તરફ દોરી જાય છે આ તમામ મહત્વપૂર્ણ મુદ્દાને માત્ર સરકાર અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પર છોડી દેવાને બદલે હવે તેમાં જનશક્તિને જોડવાની જરૂર છે, તેમ જણાવતાં મોદીએ ઉમેર્યું કે, લોકો આસપાસના વાતાવરણમાં જળવાયુ પરિવર્તનની અસરો અનુભવી રહ્યા છે અને છેલ્લા કેટલાક દાયકાઓમાં અણધારી આફતો જોવા મળી છે. લોકોએ વ્યક્તિગત, પરિવાર અને સમુદાય તરીકે જલવાયુ પરિવર્તનની અસરો સામે યોગદાન આપવું જોઇએ.
  પ્રધાનમંત્રીએ કહ્યું કે, મિશન લાઇફનો મંત્ર 'પર્યાવરણ માટેની જીવનશૈલી' છે. આ વૈશ્વિક અભિયાન પૃથ્વીની સુરક્ષા માટે લોકોની શક્તિઓને જોડે છે, અને તેનો વધુ સારી રીતે ઉપયોગ કરવાનું શીખવે છે. “મિશન લાઇફ’’ પર્યાવરણના રક્ષણ માટે આપણા રોજિંદા જીવનમાં કરી શકાય તે બધું કરવા માટેની પ્રેરણા આપે છે. મિશન લાઇફથી આપણી જીવનશૈલીમાં ફેરફાર કરીને પર્યાવરણને સુરક્ષિત કરી શકાય છે,”
  વડાપ્રધાને વીજળીના બીલ ઘટાડવા અને પર્યાવરણની સુરક્ષા માટે ભારતમાં LED બલ્બ અપનાવવાનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, આનાથી મોટા પાયે બચત અને પર્યાવરણીય લાભો થયા અને આ એક પુનરાવર્તિત કાયમી લાભ છે. પ્રતિ વર્ષ એક સો મેટ્રીક ટન કાર્બન ઉત્સર્જનથી બચી શકાય છે.
ગાંધીજી એવા ચિંતકોમાંના એક હતા જેમણે લાંબા સમય પહેલા પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ સાથે સુમેળમાં જીવન જીવવાનું મહત્વ સમજ્યું હતું. તેમણે ટ્રસ્ટીશીપનો ખ્યાલ વિકસાવ્યો. મિશન લાઇફ આપણને બધાને પર્યાવરણના ટ્રસ્ટી બનાવે છે. ટ્રસ્ટી એવી વ્યક્તિ છે જે સંસાધનોના આડેધડ ઉપયોગને મંજૂરી આપતી નથી. ટ્રસ્ટી શોષક તરીકે નહીં પણ પોષક તરીકે કામ કરે છે તેનો વિશેષ ઉલ્લેખ વડાપ્રધાને કર્યો હતો.
   તેમણે જણાવ્યું કે મિશન લાઇફ પી3 મોડલ એટલે કે પ્રો પ્લેનેટ પીપલની ભાવનાને ઉજાગર કરશે.  મિશન લાઇફ, પર્યાવરણ સંરક્ષણ માટે સમગ્ર વિશ્વના વિચારોમાં એકતા લાવે છે. ફોર ધી પ્લેનેટ, બાય ધી પ્લેનેટ, ઓફ ધી પ્લેનેટના મૂળભૂત સિદ્ધાંતો પર તે કાર્ય કરે છે. ભૂતકાળની ભૂલોમાંથી શીખીને જ ભવિષ્યનો માર્ગ પ્રશસ્ત કરી શકાય છે. ભારતમાં હજારો વર્ષોથી પ્રકૃતિની પૂજા કરવાની પરંપરા છે. વેદોમાં પાણી, પૃથ્વી, જમીન, અગ્નિ અને વાયુ-પવન જેવા પ્રકૃતિના તત્વોના મહત્વનો ચોક્કસ ઉલ્લેખ છે.
   નરેન્દ્રભાઇ મોદીએ અથર્વવેદને ટાંકીને કહ્યું, "'માતા ભૂમિહ પુત્રોહમ્ પૃથ્વીહ' એટલે કે પૃથ્વી આપણી માતા છે અને આપણે તેના બાળકો છીએ વડાપ્રધાને 'રિડ્યુસ, રિયુઝ એન્ડ રિસાયકલ' અને સર્ક્યુલર અર્થતંત્ર પર ભાર મૂકતા કહ્યું કે, હજારો વર્ષોથી આ ભારતીયોની જીવનશૈલીનો એક ભાગ છે. તે આપણને પ્રકૃતિ સાથે સુમેળમાં ચાલવાની પ્રેરણા આપે છે. મિશન લાઇફ પ્રકૃતિના સંરક્ષણને લગતી દરેક જીવનશૈલીનો સમાવેશ કરશે, જે આપણા પૂર્વજોએ અપનાવી હતી અને તેને આજે આપણી જીવનશૈલીનો એક ભાગ બનાવી શકાય છે", તેમણે કહ્યું
 યુનોના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું કે ધરતીને સંકટના આ કપરા કાળમાંથી બચાવવા પર્યાવરણ માટે જીવનશૈલી – મિશન લાઇફ સમગ્ર વિશ્વ માટે આવશ્યક અને આશાસ્પદ બની રહેશે.
  તમામ વ્યક્તિઓ અને સમુદાયો પૃથ્વીને બચાવવા સામૂહિક ભવિષ્યના રક્ષણના ઉકેલનો ભાગ બનવા જોઈએ એવી હિમાયત કરતા એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું કે જલવાયુ પરિવર્તન, જૈવ વિવિધતાના નુકશાન અને પ્રદૂષણની ત્રિવિધ કટોકટીના મૂળમાં વધુ પડતો વપરાશ છે. આપણી જીવનશૈલીને ટેકો આપવા માટે ૧.૬ ગ્રહ પૃથ્વીના સમકક્ષ ઉપયોગ કરી રહ્યા છીએ. આ અતિરેક અને અસમાનતા જટિલ છે.
  તેમણે આશા વ્યક્ત કરી કે લાઇફ ચળવળની પહેલ સમગ્ર વિશ્વમાં ફેલાય. “ભારતે પર્યાવરણને યોગ્ય નીતિઓ અને નવીનીકરણીય ઉર્જામાં રોકાણમાં નોંધપાત્ર વધારો કરવા માટે કરેલી પ્રતિબદ્ધતાથી હું ખૂબ જ પ્રોત્સાહિત થયો છું. આંતરરાષ્ટ્રીય સૌર જોડાણને ચેમ્પિયન બનાવી, નવીનીકરણીય ક્રાંતિને બહાર લાવવાની જરૂર છે.
  યુનાઈટેડ નેશન ભારત સાથે કામ કરવા આતુર છું. તેમ જણાવતાં તેમણે ઉમેર્યું કે,આ એજન્ડાને આગળ વધારવા ઇજિપ્તમાં આગામી CoP ૨૭ અંગે ગહન ચર્ચા કરવામાં આવશે એટલું જ નહિ પેરિસ કરારના તમામ સ્તંભો પર વિશ્વાસ વ્યક્ત કરવા અને કાર્યવાહીને વેગ આપવા મુખ્ય ભૂમિકા ભજવશે. જલવાયુ પરિવર્તનની અસરો અને તેની વિશાળ અર્થવ્યવસ્થા પ્રત્યે ભારત એક મહત્વપૂર્ણ સેતુની ભૂમિકા ભજવી શકે તેમ છે તેમણે ઉમેર્યું હતું.
  મહાત્મા ગાંધીને ટાંકીને,ગુટેરેસે કહ્યું, કે "દુનિયામાં દરેકની જરૂરિયાતો માટેના સંસાધનો પૂરતા છે, પરંતુ દરેકને આજે લાલચ ઊભી થઈ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આપણે કુદરતીના સંસાધનોને વિવેકપૂર્ણ અને આદર સાથે વાપરવા જોઈએ.
 યુએન સેક્રેટરી જનરલે અર્થવ્યવસ્થા અને જીવનશૈલીમાં બદલાવ સાથે પૃથ્વીના સંસાધનોને યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ, તે બાબત તેમણે ભાર મૂક્યો હતો. ભારતને G20 નું પ્રમુખપદ મળ્યું તે ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરા સાથે સંપૂર્ણ રીતે સુસંગતતાના નવા યુગની શરૂઆત કરવામાં મદદ કરશે. તેમ પણ તેમણે જણાવ્યું હતું.
 મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે દુનિયાની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં શરૂ કરાયેલું વૈશ્વિક મિશન લાઈફ ૨૧ મી સદીનું સૌથી મોટું પર્યાવરણ આંદોલન બની રહેશે, તેમ જણાવ્યું હતું.
  મુખ્યમંત્રીએ જણાવ્યું કે જ્યારે વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ,સોલર એનર્જી અને ગ્રીન એનર્જીની વાત થઈ રહી હતી, ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમની દૂરદર્શિતા થકી અનેકવિધ કદમ ઉઠાવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાન તેમના નેતૃત્વમાં ગુજરાત એશિયાનું પહેલું રાજ્ય હતું જેણે અલગથી ક્લાયમેટ ચેન્જ વિભાગ શરૂ કર્યો હતો.તેમ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.
   વડાપ્રધાનના નેતૃત્વમાં રાજ્યમાં કેનાલટોપ, સોલાર પાર્ક સ્થાપિત કરવામાં આવ્યા છે. દેશના સરહદી વિસ્તાર ચારણકામાં ૭૩૦ મેગાવોટના સોલાર પાર્કની સ્થાપના પણ થઈ હતી. એટલું જ નહીં પણ વિશ્વ જ્યારે કલાયમેટ ચેન્જ સામે લડવાના રસ્તાઓ શોધી રહ્યું હતું ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ તેમના કન્વીનિઅન્ટ એક્શન પુસ્તક દ્વારા સમગ્ર વિશ્વને આ સમસ્યાના સમાધાનનો રસ્તો બતાવ્યો હતો.
 આ પ્રસંગે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અને કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી મિનાક્ષી લેખી, વિવિધ દેશના ભારત ખાતેના રાજદ્વારીઓ, નીતિ આયોગના સીઇઓ પરમેશ્વરન ઐયર, ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ-ક્લાયમેટ ચેન્જ વિભાગના અગ્ર સચિવ  એસ.જે.હૈદર સહિત  ક્લાયમેટ ચેન્જ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ગુજરાત નાણાં વિભાગના અગ્ર સચિવ અને નર્મદા નિગમના ઇન્ચાર્જ મેનેજીંગ ડિરેક્ટર જે.પી. ગુપ્તા, SOUADTGA ના સીઇઓ રવિ શંકર, રાજ્યના પોલીસ વડા આશિસ ભાટીયા, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકીત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, વિચારશીલો અને નીતિ આયોગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:31 pm IST)