Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

રાજપીપળાની એક ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ યુવતીનું સીઝર બાદ મોત થતા પરિવારે પોલીસમાં રાવ નાખી

પાંચ વર્ષ ના લગ્નજીવન બાદ માતા બનવાની ઈચ્છા ફળીભૂત થવા આવી ત્યારે પોતાની દીકરીનું મોઢું પણ જોઈ ના શકી:જન્મતા જ માતાનું છત્ર ગુમાવી ચુકેલું ફૂલ માતા પ્રથમ ધાવણથી પણ વંચિત રહેતા, કરુણ સ્થિતિ સર્જાઈ:સીઝર કરનાર તબીબ,સિવિલ હોસ્પિટલનાં તબીબ અને સિવિલ સર્જન મળી આ ત્રણેયનાં નિવેદનોમાં વિરોધાભાસ હોય સત્ય હકીકત શું હશે..?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જી.ના નસવાડી તા. ના આકોના ગામે રહેતા અને મજૂરી કરી જીવન ગુજરાત જયેશભાઈ મનુ ભાઈ ભીલ ઉ.વ. 23 નાઓ નું લગ્ન 5 વર્ષ અગાઉ પાન તલાવડી ના જ્યોતિબેન જીકુભાઈ ઉ. વ 22 નાઓ સાથે થયા હતા. લગ્ન જીવન ના 5 વર્ષ પછી માતા-પિતા બનવાની આશા બંધાઈ હતી અને જ્યોતિ બેન ને સારા દિવસો રહ્યા હતા, તેઓ રાજપીપળા ઋતુ હોસ્પિટલમાં દર મહિને ચેકઅપ માટે આવતા હતા.

ગત તારીખ 18/10/22 ના દુખાવો ઉપડતા જ્યોતિબેન ને ગરુડેશ્વર ના દવાખાના મા લઈ ગયા હતા ત્યાર બાદ બીજા દિવસે 19/10/22 ના રાજપીપળા ઋતુ હોસ્પિટલમાં ચેક કરાવવા આવતા ડિલિવરી થઈ જશે એમ જણાવી સગર્ભા જ્યોતિબેન ને એડમિટ કરી લેવાયા હતા. ત્યાર બાદ સગર્ભા જ્યોતિ બેન ને સિઝેરિયન કરવું પડશે એમ કહી સગાઓ ની સંમતિ લઈ સિઝર કરાયું હતું અને સાંજે 6 વાગ્યે પુત્રી નો જન્મ થયા નું જણાવાયું હતું આથી પરિવારજનો મા આનંદ વ્યાપી ગયો હતો.પણ એ આનંદની ક્ષણો વધારે સમય રહી ન હતી અને સાંજે 7:30 કલાકે પ્રસૂતા ની હાલત અચાનક ગંભીર થઈ જતા ઋતુ હોસ્પિટલ તરફ થી પ્રસૂતા ની હાલત સિરિયસ થઈ ગઈ છે એમને વડોદરા લઈ જાવ તેમ જણાવાયુ હતું. ત્યાર બાદ પ્રસૂતા ને રાજપીપળા ની GMERS સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી ત્યાં ફરજ ઉપર ના તબીબે સારવાર શરૂ કરી હતી, અને થોડીક વાર બાદ મૃત જાહેર કરી હતી.
જોકે આ વાતે સિવિલ સર્જન જ્યોતિ ગુપ્તા એ સ્પષ્ટ જણાવ્યું કે આ મહિલા દર્દી ને અહિયાં લાવ્યા ત્યારે એ મૃત હાલતમાં જ હતી જ્યારે બીજી બાજુ ઋતુ હોસ્પિટલ નાં ડોકટર હસમુખ વસાવા એ આ મહિલા સિરિયસ હતી માટે વડોદરા લઇ જવા કહ્યું હોવાનું જણાવ્યું હતું જ્યારે સિવિલમાં મહિલાને સારવાર પણ ચાલુ કરાઈ હતી તો આ ત્રણેય માં સાચું કોણ એ પોલીસ તપાસ બાદ ખબર પડશે.આ મહિલાનું પીએમ બાદ મોતનું કારણ બહાર આવશે.
 હાલ આ મામલે પરિવારજનો એ સગર્ભા ના અપમૃત્યુ માટે ઋતુ હોસ્પિટલ સામે સારવાર મા ખામી ને કારણે મોત થયા ની ફરિયાદ માટે પોલિસ સમક્ષ રાવ નાખતા પોલીસે મરનાર નાં પતિનું નિવેદન લઇ વધુ તપાસ હાથ ધરી છે.

(10:39 pm IST)