Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

મુખ્યમંત્રી રૂપાણીએ વરિષ્ઠ પત્રકાર ઉદય માહુરકરનું સન્માન કર્યું

ભારતના ઇન્ફર્મેશન કમિશનર તરીકે નિમણૂંક પામેલ પ્રથમ પત્રકારને સીએમ રૂપાણીએ ગુજરાતનું ગૌરવ ગણાવ્યાં

અમદાવાદ,૨૦:ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશના ઇન્ફર્મેશન કમિશનર તરીકે નિમણૂંક પામેલા ગુજરાતના વરિષ્ઠ પત્રકાર ઉદય માહુરકરનું ગુરુવારે અમદાવાદ ખાતે સન્માન કર્યું હતું. રૂપાણીએ પોતાના પ્રવચનમાં ઉદય માહુરકરને ગુજરાતનું ગૌરવ ગણાવ્યાં હતા.

શ્રી ઉદય માહુરકર એવા પ્રથમ પત્રકાર છે જેમને રાઇટ ટુ ઇન્ફર્મેશન એકટ ૨૦૦૫ હેઠળની કેન્દ્રીય ઇન્ફર્મેશન કમિટીમાં ૧૦ ઇન્ફર્મેશન કમિશનરની શ્રેણીમાં સ્થાન મળ્યું છે.

શ્રી રૂપાણીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી એવું બનતું આવ્યું હતું કે નિવૃત્ત્। અધિકારીઓને જ ઇન્ફર્મેશન કમિશનર તરીકે નિમણૂંક મળતી હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પદ પર એક પત્રકારની નિમણૂંક કરીને એક નવી પહેલ કરી છે. એક સ્વસ્થ લોકતંત્ર માટે આ એક નોંધપાત્ર પગલું છે. શ્રી રુપાણીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી લોકોના અવાજને બુલંદ કરવાની જવાબદારી નિભાવનારા વ્યકિતત્વને આ જવાબદારી સોંપાવી જોઇએ. શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ઉદયભાઇ એક વિચારધારાને સમર્પિત રહ્યા છે અને એ વિચારદ્યારા માટે લડવાની હિંમત પણ તેમની પાસે છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે પોતાની આ નવી ભૂમિકામાં ઉદયભાઇ સામાન્ય લોકોના હિતોની રક્ષા માટે એ જ સમર્પણ દર્શાવશે અને લોકશાહીની મશાલને વધારે પ્રકાશથી પ્રજવલિત રાખશે.

ગુજરાત મીડિયા કલબ અને લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીકટ ૩૨૩૨ બી૧-બી૨ના સંયુકત ઉપક્રમે ઉદય માહુરકરના સન્માનમાં આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ શાલ ઓઢાડીને શ્રી માહુરકરનું સન્માન કર્યું હતું. ગુજરાત મીડિયા કલબ અને લાયન્સ કલબ ઇન્ટરનેશનલે પણ શ્રી માહુરકરનું પ્રશસ્તિપત્ર આપીને સન્માન કર્યું હતું.

આ પ્રસંગે શ્રી માહુરકરે પોતાના અનુભવોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે કઇ રીતે તેઓ એક અસરકારક પત્રકારત્વનો ભાગ બન્યાં. શ્રી માહુરકરે ઇન્ડિયન એકસપ્રેસમાં સ્પોર્ટ્સ પત્રકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ૨૦૧૩માં શ્રી માહુરકરે પોતાના પ્રથમ પુસ્તક સેન્ટરસ્ટેજ સાથે એક લેખક તરીકે ઓળખ ઊભી કરી અને ૨૦૧૪માં તેમનું બીજું પુસ્તક માર્ચિંગ વિથ અ બિલિયન આવ્યું, જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની રાજનૈતિક, વહીવટી અને શાસકીય કુશળતાને દર્શાવે છે.

ગુજરાત મીડિયા કલબના પ્રેસિડેન્ટ રહી ચૂકેલા મહુરકરે જણાવ્યું હતું કે જીવનના અનેક મુદ્દે તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પાસેથી દ્યણું શિખ્યા છે અને તેથી તેઓ તેમના ઋણી છે. ઉપરાંત તેમણે સ્વામી રામદેવજીનો પણ આભાર પ્રગટ કર્યો હતો તેમની પાસેથી તેમણે સ્વસ્થ જીવનની કળા શિખી છે.

ગુજરાત મીડિયા કલબના પ્રમુખ નિર્ણય કપૂરે પોતાના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે શ્રી માહુરકરના ગુજરાત મીડિયા કલબના પ્રમુખ તરીકેના સમયમાં પત્રકારોના હિતમાં સૌથી વધારે કાર્યક્રમો થયા હતા. હાલના સમયના કાર્યક્રમોનો ઉલ્લેખ કરતા શ્રી કપૂરે જણાવ્યું હતું કે કોરોનાના કાળમાં પણ ગુજરાત મીડિયા કલબે પત્રકારોના હિતોને ધ્યાનમાં રાખીને અનેક આયોજનો કર્યાં છે. લગભગ દર મહિને અમે અલગ-અલગ વિષયો પર ઓનલાઇન કાર્યક્રમો દ્વારા પત્રકારોના સશકિતકરણના પ્રયાસ કર્યાં છે.

કોરોનાના અભિશાપ કે તેના પ્રત્યે જાગૃતિ ઉપરાંત કોરોના રિપોર્ટીંગ દરમિયાન કઇ રીતે ખોટા સમાચારોથી બચી શકાય અને સાચી માહિતી લોકો સુધી પહોંચાડી શકાય તેના પર ઓનલાઇન ચર્ચાઓ કરવામાં આવી.

આવનારા કાર્યક્રમોનો ઉલ્લેખ કરતા શ્રી કપૂરે જણાવ્યું હતું કે જીએમસી પીડીપીયુ સાથે મળીને યુવા પત્રકારો માટે એક મહિનાના સર્ટિફિકેટ કોર્સનું આયોજન કરવા જઇ રહી છે, જેના દ્વારા તેની પ્રતિભાને વધારે નિખારી શકાય. ઉપરાંત, જીએમસી કીડની ઇન્સ્ટિટ્યૂટ- આઇકેડીઆરસી અમદાવાદ સાથે મળીને મોટા પાયે અંગદાન માટે એક અભિયાન શરૂ કરવા જઇ રહી છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય અંગદાન પ્રત્યે લોકોના ઉદાસિન વલણને ૨૦૨૨ સુધીમાં સંપૂર્ણપણે બદલી દેવાનો છે અને આ કાર્યમાં અનેક મેડિકલ સંસ્થાઓ પણ જોડાશે.

લાયન્સ કલબ ઈન્ટરનેશનલના ઈન્ટરનેશનલ ડાયરેકટર રહી ચૂકેલા શ્રી પ્રવીણ છાજેડે લાયન્સ કલબ ઈન્ટરનેશનલના ૧.૪ મિલિયન જેમાં ભારતના ૩૦૦,૦૦૦ ઉપરાંત ગુજરાતના ૨૦,૦૦૦ સભ્યો તરફથી શ્રી માહુરકરને અભિનંદન આપતાં કહ્યું કે પત્રકારત્વના વ્યવસાયમાં રહેવા છતાં તેમના માટે રાષ્ટ્રપ્રેમ સર્વોપરી રહ્યો, જેની ઝલક તેમના રિપોર્ટીંગમાં હંમેશા જોવા મળી છે અને આ જ બાબત તેમને એક રોલમોડલ બનાવે છે.

જાણીતા લેખિકા અને સ્ક્રિન રાઇટર કાજલ ઓઝા વૈદ્યે આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન કર્યું જયારે જીએમસીના સેક્રેટરી (ઓર્ગેનાઈઝેશન) કુલદીપ તિવારીએ આભાર પ્રવચન કર્યું હતું.

(11:28 am IST)