Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

શિયાળાની જમાવટ, નલિયા ૧૦ ડિગ્રીની સાથે સૌથી ઠંડું

ઉત્તર ભારતમાં પડી રહેલી ઠંડીની રાજ્ય પર અસર : ઉત્તર-પૂર્વીય પવનને કારણે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ

અમદાવાદ, તા. ૨૦ : જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં પડી રહેલી અત્યંત કાતિલ સૂકા ઠંડા પવનની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં હાડ થીજવી દેતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. શુક્રવારે રાજ્યના વિવિધ શહેરોનું તાપમાન પણ ગગડ્યું છે. હવામાન વિભાગના આજે સવારે ૭ વાગ્યાના આંકડા પર નજર કરીએ તો ૧૦ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ઉત્તર-પૂર્વીય પવનને કારણે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ઉત્તર-પૂર્વીય પવનને કારણે ઠંડા પવન ફૂંકાતા હાલ ઠંડીનું મોજું યથાવત રહેશે. આ સાથે ડિસેમ્બર મહિનામાં પણ કડકડતી ઠંડી પડવાની આગાહી છે. છેલ્લા કેટલાય દિવસોથી ઉત્તર ભાગમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં પણ ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે.

છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ શહેરોમાં લધુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં હવામાન નિષ્ણાતની આગાહી મુજબ ૪ ડિસેમ્બરના રોજ તાપમાન ઘટીને ૧૨ ડિગ્રી આસપાસ પહોંચશે જ્યારે ૮ અને ૧૯ ડિસેમ્બરના પણ વધુ ઠંડી અનુભવાશે. આ ઉપરાંત ૨૨ ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડશે તો જાન્યુઆરી મહિનામાં રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની શક્યતા છે. નલિયા અને બનાસકાંઠાના કેટલાય ભાગોમાં પારો ૫ ડિગ્રી જ્યારે આબુમાં શૂન્ય ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે.

(9:04 pm IST)