Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ડૉ. મુકેશ જોષીના ગઝલસંગ્રહ “કેડી તૃપ્તિની” પુસ્તકનું વિમોચન કરાયું

ગઝલ નિષ્ણાંતોએ ડૉ. મુકેશ જોષીની રચનાઓમાં પ્રગટ થતી ગઝલિયત અને ખાસ કરીને બોલચાલની ભાષા વાળા રદીફના પ્રયોગોની પ્રસંશા કરી આ ગઝલ સંગ્રહને આવકારી શુભેચ્છાઓ પાઠવી

અમદાવાદ :ગુજરાત સરકારના જાણીતા ઇજનેર અને ગઝલકાર ડૉ. મુકેશ જોષીના દ્રિતીય ગઝલસંગ્રહ “કેડી તૃપ્તિનું” વિમોચન આજે સાંજે ૬:૦૦ કલાકે અમદાવાદ મુકામે ગુજરાતી સાહિત્ય પરિષદના રા.વિ. પાઠક સભાગૃહમાં કરવામાં આવ્યું હતું 

આ કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકાર ભાગ્યેશ જહા, કવિ અને વિવેચક યોસેફ મેકવાન, ગઝલકાર ડૉ. એસ.એસ.રાહી તેમજ ડૉ. સતીન દેસાઈ “પરવેઝ” અને કવિ કૃષ્ણ દવે તથા અનેક અગ્રગણ્ય નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા કવિ અને ઉદ્દઘોષક હરદ્રાર ગોસ્વામી ઘ્વારા કરવામાં આવ્યું અને સ્વરોત્સવ જાણીતા ગાયક કલાકાર માયા દીપક દ્રારા સુંદર રીતે રજુ થયેલ. આ કાર્યક્રમમાં અધિક મુખ્ય સચિવ ડૉ રાજીવકુમાર ગુપ્તાની વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા, અને શુભેચ્છા પાઠવી હતી.
મંચસ્થ મહાનુભાવો અને ગઝલ નિષ્ણાંતોએ ડૉ. મુકેશ જોષીની રચનાઓમાં પ્રગટ થતી ગઝલિયત અને ખાસ કરીને બોલચાલની ભાષા વાળા રદીફના પ્રયોગોની પ્રસંશા કરી આ ગઝલ સંગ્રહને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ “કેડી તૃપ્તિની” ગઝલ સંગ્રહમાં કુલ ૧૧૧ ગઝલોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પુસ્તકનું પ્રકાશન સુપ્રસિધ્ધ “રન્નાદે પ્રકાશન” દ્વારા કરવામાં આવેલ છે અને આ પુસ્તકની પ્રસ્તાવના શ્રી યોસેફ મેકવાન, ડૉ. એસ.એસ. રાહી તથા મુસાફીર પાલનપુરી દ્રારા લખવામાં આવી છે. આ ગઝલસંગ્રહના સર્જક ડૉ. મુકેશ જોષી સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડ ગાંધીનગર ખાતે મુખ્ય જનરલ મેનેજર (ટેકનિકલ એન્ડ કો-ઓર્ડીનેશન) તરીકે ફરજ બજાવે છે. તેઓ ઈજનેરી ક્ષેત્રે ૩૭ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે અને તેમના જળવ્યવસ્થાપન અંગે ૮૫ જેટલા સંશોધન પત્રો પ્રકાશિત થયેલ છે.
અગાઉ વર્ષ ૨૦૧૫માં પ્રકાશિત થયેલ તેમના પ્રથમ ગઝલસંગ્રહ “ક્ષણોની મહેફીલ” ને પણ ભાવકોનો સુંદર પ્રતિભાવ સાંપડ્યો હતો.
ડૉ. મુકેશ જોષીની કામની અતિ વ્યસ્તતા, કામનું ભારણ છતાં પણ ગઝલ પ્રત્યેનો તેમનો લગાવ, લાગણી અને કવિ દિલને લઈને તેઓ દ્વારા આ દ્રિતીય ગઝલસંગ્રહ “કેડી તૃપ્તિની” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યુ, જે ગૌરવપ્રદ ઘટના ગણાય.

(9:03 pm IST)