Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

આમોદના કાંકરિયાની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવતા સાંસદ મનસુખ વસાવા :ધર્માંતર મુદ્દે ચોંકાવનારી વિગતો ખુલી

. જે આદિવાસીએ ધર્મ પરિવર્તન કર્યું હોય એવા વ્યક્તિને ખેતી કરવામાં તથા અન્ય લોભ લાલચ અપાય છે. અંતે એમને ધર્મ પરિવર્તન કરાવાય છે.: વસાવા

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામના 37 આદિવાસી પરિવારોના 100 લોકોને લાલચ આપી ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કાંકરિયા ગામની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે અમુક ચોક્કસ લોકો દ્વારા ગામ લોકોમાં નાની નારાજગી ઉભી કરી, એવા નારાજ લોકો સાથે મિત્રતા કેળવી સબંધ વધારે છે.બાદમાં જમવાથી લઈને, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પુરી પડવાની લાલચ આપે છે. હિંદુઓને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા ઉશ્કેરવામાં આવે છે. જે આદિવાસીએ ધર્મ પરિવર્તન કર્યું હોય એવા વ્યક્તિને ખેતી કરવામાં તથા અન્ય લોભ લાલચ અપાય છે. અંતે એમને ધર્મ પરિવર્તન કરાવાય છે. જેણે ધર્મ પરિવર્તન કર્યું હોય એને જ સિંચાઈનું પાણી આપે છે. બાદ દર શુક્રવારે એમને નમાજ પઢવાનું તથા એમના સંતાનોને ઉર્દુ ભાષાની પણ અપાય છે.

મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આ એક ચોકક્સ પ્રકારનું જેહાદ છે જે બાબરના સમયથી ચાલતું આવ્યું છે.ધર્મ પરિવર્તન કરાવવા માટે વિદેશથી વધારે ફંડ માગવાય છે, એમાં પણ લોકો કમિશન ખાય છે.વિદેશથી આવતું ફંડ એજન્ટ કાપ મૂકી ભારતમાં મોકલે છે, એમાંથી કાપ મૂકી એ ફંડ ગુજરાતમાં અને આમોદમાં મોકલાવે છે.ધર્મ પરિવર્તન કરનાર આદિવાસી પરિવારના છોકરા છોકરીઓ જ્યારે લગ્ન લાયક થાય ત્યારે ધર્મ પરિવર્તન કરનારની દીકરીને મુસ્લિમો લઈ જાય છે પણ ધર્મપરિવર્તન કરનારને પોતાની દીકરી આપતા નથી.

સમય જતાં મુસ્લિમ લોકો પણ ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બનેલા લોકોને સ્વીકારતા નથી, અંતે ધર્મ પરિવર્તન કરેલા લોકો ન ઘરના કે ન ઘાટના બનીને રહી જાય છે.સમય સમય પર થતી મીટિંગમાં આ બાબત પર ભાર મુકવા ચર્ચાઓ પણ થાય છે.જેણે ધર્મ પરિવર્તન કર્યું હોય એવા લોકોને ગામ લોકો આંતરિક રાજકારણને લીધે હજુ પણ સ્વીકારવા તૈયાર નથી.

આદીવાસીમાંથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરનાર પ્રવીણ ભાઈની સાથે મેં એક બેઠક કરી એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.મેં એમને હિંમત આપી કે સરકાર, અમારી પાર્ટી અને ગામના લોકો તમારી સાથે જ છે.આગામી સમયમાં તમામ લોકોને આવી રીતે સમજાવવાનો પ્રયત્ન થશે તો એ તમામ લોકોની ઘર વાપસી થઈ જશે.સરકાર પણ એમનું સ્વાગત કરશે.

મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે યોગ્ય સમયે આદિવાસીઓને ધર્મ પરિવર્તન કરાવનારા લોકો પકડાઈ ગયા નહિ તો મોટી સંખ્યામાં એમની સાથે જોડાય એવું રીતસરનું એક ષડયંત્ર રચાયું હતું.આ ષડયંત્રનો વહેલી તકે પરદાફાસ ન થયો હોત તો આસપાસના વિસ્તારોમાં અને આસપાસના ગામોમાં ધર્માંતરણનું વધુ દુષણ ફેલાવાની શક્યતાઓ હતી.

(9:30 pm IST)