Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ગાંધીનગર નજીક પસાર થતી નર્મદા કેનાલ પાસે બેઠેલ યુગલને છરી બતાવી લૂંટ ચલાવનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીકથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર લુંટની ઘટનાઓ વધી રહી છે ત્યારે અઠવાડીયા અગાઉ કેનાલ ઉપર બેઠેલા યુગલને છરી બતાવી લૂંટારૃ રોકડ, દાગીના અને બુલેટ લૂંટી ગયા હતા. જે સંદર્ભે અડાલજ પોલીસમાં ફરીયાદ નોંધાયા બાદ પોલીસે ત્રણ પૈકી બે આરોપીને ઝડપી લીધા છે જયારે અન્ય એકની શોધખોળ આદરી છે. ગાંધીનગરમાં અગાઉ પણ કેનાલ આસપાસ લૂંટની ઘટના બની હતી જેથી આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ વધારવાની જરૃરીયાત લાગી રહી છે.

મોટેરા ખાતે આવેલી શ્યામ સેરેનીટી વસાહતમાં એ-૨૦૨ ખાતે રહેતો યુવાન ફેનીલ અશ્વિનભાઇ પટેલ તેનું બુલેટ બાઇક નં. જીજે-૧-એલયુ-૯૦૨૪ સાથે સુઘડ કેનાલ ઉપર ગત તા.૧૦ નવેમ્બરે તેની મિત્ર વર્ષા ડાડલાની કેનાલની ૧૦૦ મીટર અંદર બેઠા હતા તે દરમિયાન ઝાડીમાંથી અચાનક જ ત્રણ વ્યક્તિઓ તેમની પાસે પહોંચ્યા હતા અને ફેનીલને લાફો મારી તારી પાસે જે કંઇ પણ હોય તે આપી દે.. તેમ કહી એક શખ્સે છરી પણ બતાવી હતી ત્યારબાદ અન્ય લુંટારૃઓએ ફેનીલે પહેરેલી ચાંદીની લકી  મોબાઇલ અને પાકીટ લઇ લીધું હતું જ્યારે વર્ષાના હાથમાંથી બે સોનાની વીંટી લુંટી લીધી હતી. આ સમયે કેનાલ ઉપર કોઇ કાર આવતાં આ લુંટારૃઓએ ફેનીલનું બુલેટ લઇને ત્યાંથી નાસી છુટયા હતાં.આ સંદર્ભે અડાલજ પોલીસમાં ગુનો નોંધાતાં પોલીસે આરોપીઓની શોધખોળ આદરી હતી અને આસપાસના સીસીટીવી ફુટેજની ચકાસણી હાથ ધરી હતી. અડાલજ પોલીસ ઉપરાંત એલસીબી, એસઓજીની ટીમો પણ આરોપીઓને શોધવા કામે લાગી હતી. ત્યારે બાતમીના આધારે શેરસીંગ અભેસીંગ ભાદા રહે.ડીમાર્ટની બાજુમાં ન્યુ સીજી રોડ ચાંદખેડા અને રૃપસિંગ ઉર્ફે રૃપલો બચ્ચનસિંગ ભાદા રહે.ભુંડવાળાછાપરા, મોટેરાને ઝડપી લીધા હતા. આ બન્ને આરોપીઓએ તેના સાગરીત સુરજીતસીંગ ઈન્દ્રસીંગ બાવરી સાથે મળીને આ લુંટના ગુનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી. રૃપલો અગાઉ પણ અમદાવાદ શહેરના ચોરીના ગુનામાં ઝડપાઈ ચુકયો છે. આરોપીઓની પુછપરછમાં અન્ય ગુનાઓ ઉકેલાવાની પણ શક્યતા સેવાઈ રહી છે.

(5:07 pm IST)