Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ભારે વિરોધ સર્જાતા દસમાં ધોરણના સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટમાં 'માસ પ્રમોશન' લખવાનો નિર્ણય પાછો ખેંચાયો

શિક્ષણ બોર્ડના બે દિવસમાં બે નિર્ણયો પરત ખેંચાયા ! : વિદ્યાર્થીઓના સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટમાં હવે 'માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતાં' લખાશે

ગાંધીનગર તા. ૧૦ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં માસ પ્રમોશનથી પાસ લખવાનો નિર્ણય પરત ખેંચ્યો છે.  વિદ્યાર્થીઓના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં 'માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતાં' તેમ લખવામાં આવશે. માસ પ્રમોશનથી પાસ તેમ લખવાના નિર્ણય સામે આચાર્યો અને શિક્ષણ નિષ્ણાતોએ બોર્ડ સમક્ષ રજૂઆત કરી હતી. જેના પગલે બોર્ડે આ નિર્ણય લીધો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરી હતી. ત્યારબાદ વિવિધ મુદ્દાઓને લઈને શાળાઓને સૂચના આપી હતી. જેમાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં માસ પ્રમોશનથી પાસ તેમ લખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જયારે ધોરણ ૧૦ની માર્કશીટમાં ગ્રેડ દર્શાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આમ ધોરણ ૧૦ની માર્કશીટમાં ગ્રેડ રાખવાનું નક્કી કરાયું હતું. પરંતુ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં માસ પ્રમોશન લખવાના નિર્ણય સામે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ સહિત રાજયના કેટલાક આચાર્યો અને શિક્ષણ નિષ્ણાતોએ શિક્ષણ બોર્ડની કચેરીમાં આ અંગે રજૂઆત કરી હતી. જેથી શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય પરત લેવાનું નક્કી કર્યું છે.આ અંગે શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર કરી દરેક શાળાઓને સૂચના આપવામાં આવી છે કે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં હવે માસ પ્રમોશનથી પાસના બદલે માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતાં તેમ લખવાનું રહેશે.

બોર્ડ દ્વારા ૪૮ કલાકમાં  પોતાના બે નિર્ણયો પરત લેવાની ફરજ પડી છે. અગાઉ ધોરણ ૧૦ના પરિણામ તૈયાર કરવા માટે વિવિધ આધારોની ચકાસણી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. જેમાં પણ વિરોધ થયા બાદ નિર્ણય પરત લીધો હતો. ત્યારબાદ હવે માસ પ્રમોશનના બદલે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં માધ્યમિક શિક્ષણ ગુણવત્તા એવું લખવાનું નિર્ણય કરાયો છે.

(3:27 pm IST)