Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

સેલંબાના ઈજાગ્રસ્ત વિદ્યાર્થી માટે શિક્ષણ બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારીનો માનવતાવાદી અભિગમ

અકસ્માતગ્રસ્ત વિદ્યાર્થીને ભયમુક્ત વાતાવરણમાં જમીન પર બેસીને પરીક્ષા આપવાની કરાયેલી સુગમતા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૩માં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી. ભૂસારા તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર,ગત તા.૧૪/૩/ ૨૦૨૩થી ચાલી રહેલી પરીક્ષા દરમિયાન સેલંબા હાઈસ્કુલના ધોરણ-૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી વસાવા કૌશિક નરપતભાઈને ગત સપ્તાહે માર્ગ અકસ્માત થયો હતો. જેમાં તેને પગમાં ગંભીર ઇજા થતાં પાટો બાંધેલો હોવાથી બેન્ચીસ પર બેસી શકે તેમ નહોતો. પરંતુ તેણે પરીક્ષા આપવાની ઈચ્છા દર્શાવતા, આ બાબતની રજૂઆત તેમના વાલી અને વિદ્યાર્થી દ્વારા સેલંબા હાઈસ્કુલના આચાર્યને કરવામાં આવી હતી.

  આચાર્ય દ્વારા જરૂરી આધાર પુરાવા સાથે આ બાબતની જાણ નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી. ભુસારાને કરાતા અકસ્માતગ્રસ્ત વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે તાત્કાલિક ધોરણે બેઠક વ્યવસ્થાની આ માંગણી સ્વીકારી, ઉચ્ચ અધિકારીઓએ માનવતાનો ઉમદા અભિગમ દાખવી, આ વિદ્યાર્થીને પરીક્ષા આપવા માટે જરૂરી કાર્યવાહી કરવાની ટેલીફોનીક પરવાનગી આપી હતી.
 હાલમાં વિદ્યાર્થી કૌશિક વસાવા પોતાના પરીક્ષા કેન્દ્ર ખાતે સુગમતા પૂર્વક ભયમુક્ત વાતાવરણમાં ધોરણ- ૧૦ની પરીક્ષા આપી રહ્યો છે. આજરોજ જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભૂસારાએ પરીક્ષા કેન્દ્ર સેલંબા હાઈસ્કુલની મુલાકાત લઈ વિદ્યાર્થીના ખબર-અંતર પુછ્યાં હતા અને સાંત્વના પાઠવી હતી. જ્યારે વિદ્યાર્થીએ પરીક્ષાના પેપરો ખૂબ સારા જતાં વર્ષ નહીં બગડે તેમ કહી શિક્ષણ વિભાગ અને શાળા પરીવાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

 

(10:51 pm IST)