Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

અમદાવાદના જીવણપુરા ગામમાં રાત્રી દરમિયાન કુતરા ભસતા નેપાળી યુવક ઘર પાસે ઉભો રહેતા લોકોએ ચોર સમજી થાંભલા સાથે બાંધી ઢોર માર મારતા આખરે યુવકે દમ તોડયો

પોલીસની તપાસમાં મૃતક યુવક નેપાળી ફુલમાન ગગન હતો જે સિક્‍યોરીટી ગાર્ડની નોકરી કરતો હતો

અમદાવાદ: અમદાવાદના ચાંગોદરમાં નેપાળી યુવકને ઢોર માર મારી પતાવી દીધો હતો. લોકોએ ચોરની શંકા રાખીને થાંભલા સાથે બાંધીને માર મારતા યુવકનું મોત નિપજ્યું હતું. ચાંગોદર પોલીસે 10 લોકોની ધરપકડ કરી છે. 

અમદાવાદના ચાંગોદર નજીકના જીવણપુરા ગામમાં એક યુવકને લોકોએ ચોર સમજીને ઢોર માર માર્યો હતો. કોઈ પશુને નિર્દયતાથી જે રીતે મારતા હોય તે રીતે યુવકને લાકડીના દંડા ફટકારી રહ્યા હતા. યુવકને એટલો માર વાગ્યો કે તે યુવકનો જીવ જતો રહ્યો હતો. આ તમામ ક્રૂરતાપૂર્વક બનેલી ઘટનાને લોકોએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી હતી. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયા બાદ ચાંગોદર પોલીસે મોબ લિન્ચીંગ અને હત્યાનો ગુનો દાખલ કરીને જીવણપુરા ગામની પોલીસે હત્યાના બનાવમાં 10 જેટલા લોકોની ધરપકડ કરી છે.

ચાંગોદર પોલીસના જણાવ્યા પ્રમાણે, આ ઘટના અમદાવાદ જિલ્લાના ચાંગોદર નજીકના જીવણપુરા ગામની છે. જો બનાવની વાત કરવામાં આવે તો જીવણપુરાના ઈશ્વરભાઈ કોળી પટેલના ઘર પાસે રાત્રિના સમયે મૃતક નેપાળી યુવક ઉભો હતો. ત્યારે ઈશ્વરભાઈ કોળી પટેલ સહિતના લોકોને એવું લાગ્યું કે આ કોઈ ચોર લૂંટારુ છે અને કંઈ પણ જાણ્યા વગર નેપાળી યુવકને થાંભલા સાથે બાંધીને ઢોર માર લાકડીઓ લઈને તેને માર મારવા લાગ્યા હતા. યુવકને ચોર સમજીને લોકોએ પહેલા થાંભલા સાથે બાંધી દીધો હતો. ત્યારબાદ તેના હાથ બાંધી દીધા અને ચારે તરફથી યુવકને લાકડી વડે માર માર્યો હતો અને ફરી વળ્યા હતા. યુવક ચીસો પાડતો રહ્યો હતો સમયે એવો આવ્યો કે તે નીચે પડી ગયેલો યુવક બૂમો પાડી રહ્યો હતો, પણ આ લોકો તેને માર જ મારી રહ્યાં હતા અને એટલો માર્યો કે યુવક એ પોતાનો દમ તોડી દીધો હતો. ત્યાર બાદ ગામના લોકો ગામની અવાવરું જગ્યાએ મૃતદેહને નાંખી આવ્યા હતા. ત્યારે આ સમગ્ર બનાવનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ચાંગોદર પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે, આ નેપાળી યુવકનો વીડિયો છે. 

ત્યારે ચાંગોદર પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક નેપાળી યુવકનું નામ કૂલમાન ગંગન છે અને જે મૂળ નેપાળનો રહેવાસી છે અને થોડા સમય પહેલા જ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો હતો. પણ નોકરી ન ફાવતા નોકરી છોડી દીધી હતી અને આવી રીતે રખડતો ભટકતો હતો. જીવણપુરા ગામના નાકે કુતરા યુવકને જોઇને ભસ્યા હતા, જેથી તે દોડ્યો હતો. કુતરા કરડી ન જાય, તે ડરથી યુવક એક વ્યકિતના ઘરમાં ઘુસી ગયો હતો.

ચાંગોદર 10 લોકોની ધરપકડ કરી છે જેમાં સંજય મકવાણા, રાહુલ રાઠોડ, મનુ કોળી પટેલ, આકાશ ઠાકોર, ચેતન સાધુ, ઈશ્વર કોળી પટેલ, સુરેશ રાઠોડ, નવઘણ ઠાકોર, રઇજી રાઠોડ અને રઇજી મકવાણાનો સમાવેશ થઇ રહ્યો છે. વધુ ફરાર આરોપીની શોધખોળ શરુ કરી છે. 

ત્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આ એક જ સપ્તાહની બીજી ઘટના છે. કેમ કે થોડા દિવસ પહેલા સાણંદના તેલાવ ગામમાં પણ આ જ પ્રકારે ચોરીની શંકા રાખીને લોકોએ યુવકને બાંધીને ઢોર માર માર્યો હતો.

(5:19 pm IST)