Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ગુજકેટ 2023 પરીક્ષાની તારીખ જાહેર: આગામી 3 એપ્રિલએ લેવાશે પરીક્ષા

આ પરીક્ષામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પ્રશ્નપત્ર રહેશે :રાજ્યભરમાંથી અંદાજે એક લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.

ગાંધીનગરઃ ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)એ ગુજકેટ 2023 પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. બોર્ડની જાહેરાત પ્રમાણે ગુજકેટની પરીક્ષા આગામી 3 એપ્રિલ, 2023ને સોમવારના રોજ લેવાશે. પરીક્ષાનો સમય સવારે 10થી બપોરે 12 અને બપોરે 2થી 4 સુધીનો રહેશે. આ પરીક્ષામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પ્રશ્નપત્ર રહેશે.આ પરીક્ષા જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે. રાજ્યભરમાંથી અંદાજે એક લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.

 

 રાજ્યમાં સરકારી ફંડ સંચાલિત, સરકારી સહાયથી ચાલતી અને ખાનગી ફંડ સંચાલિત એન્જીનીયરીંગ સંસ્થાઓમાં એન્જિનિયરિંગ, ટેક્નોલોજી, ડીગ્રી/ડીપ્લોમા ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A, B, અને AB ગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટ લેવામાં આવે છે.

મળતી માહિતી પ્રમાણે રાજ્યભરમાંથી અંદાજે 1.30 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. તેમાં ગુજરાતી માધ્યમના 83 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે અંગ્રેજી માધ્યમના 50 હજાર વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. વિદેશથી પણ વિદ્યાર્થીઓએ આ ગુજકેટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ પરીક્ષાનું 626 બિલ્ડિંગના 6 હજાર 598 વર્ગખંડમાં આયોજન કરવામાં આવ્યું છે. કાઉન્સેલિંગ અને બેઠકોની ફાળવણી જેવી વધારાની એડમિશન પ્રક્રિયા એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (ACPC)ની દેખરેખ હેઠળ થાય છે.

અત્રે ઉલ્લેખનીયછે કે અગાઉ ગુજકેટની પરીક્ષા માટે રજિસ્ટ્રેશનની તારીખ લેટ ફી સાથે 31 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી હતી.

(8:43 pm IST)