Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

આગામી કેબિનેટની બેઠકમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા નિર્ણય લેવાશે : કેન્દ્રની ગાઇડલાઇન મુજબ આગળ વધીશુ : વિજયભાઇ રૂપાણી

ગુજરાતમાં ઓકિસજનની અછતથી કોઇ મૃત્યુ થયા નથી : કોંગ્રેસ પાસે કોઇ મુદ્દો નથી

રાજકોટ, તા. ર૧ : રાજ્યમાં ઉત્તરોત્તર કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે. તો રાજ્યમાં ધંધા-રોજગારને પણ છૂટછાટ આપવામાં આવી તો કોલેજ અને ધોરણ-૧૨ના ઓફલાઈન વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે હવે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવાને લઈને રાજ્યના મુખ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે.

રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે સરકાર વિચારણી કરી રહી છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આગામી કેબિનેટની બેઠકમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે વિચારણા કરાશે.

હાલની સ્થિતિ અને ભવિષ્યની સ્થિતિ અંગે અભિપ્રાય લઇશું. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ગાઇડલાઇન આવશે ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે.

રાજ્યમાં ઓકિસજનથી અછતથી થયેલા મૃત્યુના આક્ષેપને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી માટે ખોટા પ્રહાર કરે છે. આ સાથે જ એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઓકિસજનની અછતથી કોઇ મૃત્યુ થયાં નથી.

મંગળવારે રાજ્યમાં કોરોનાનાં નવા ૨૯ કેસ નોંધાયા છે. જો કે ગઇકાલની સરખામણીએ કોરોનાના નવા ૫ કેસનો વધારો થયો છે.

બીજી તરફ રાજ્યમાં કોરોનાને કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયુ નથી જેને લઈ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે આ તરફ એક જ દિવસમાં ૬૧ દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૧૦ હજાર ૭૬ લોકોને કોરોના ભરખી ગયો છે. જો વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ ૪૧૧ દર્દી સારવાર હેઠળ છે. જો કે નાજુક સ્થિતિના કારણે ૫ દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે જ્યારે ૪૦૬ દર્દીની હાલત સ્થિર જણાઈ રહી છે

રાજ્યના મોટા શહેરમાં કોરોના હવે કાબૂમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે પરતું હજુ પણ સંભવિત ત્રીજી લહેરનો ખતરો જોવાઈ રહ્યો છે. હાલ મહાનગરોમાં પણ કોરોનાની રફતાર ધીમી પડી છે. અમદાવાદમાં ૬, સુરતમાં ૪ અને વડોદરામાં ૭ કેસ નવા કેસ નોંધાયા છે. તો રાજકોટમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

(3:54 pm IST)