Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

ટિકટોક સ્ટાર ડિમ્પલ રાજપૂત સહિતનાઓએ મનહુડ ઇવેન્ટ દ્વારા પ્રથમ વખત રાજપીપળા ખાતે યોજયેલા મોડેલિંગ શોમાં ભાગ લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ વિશ્વ ફેશન અને મોડેલિંગ ક્ષેત્રે હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે, ગુજરાત ના અંતરિયાળ એવા નર્મદા જિલ્લામાં મનહુડ ઇવેન્ટ તરફથી એક ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે મોટા શહેરોમાં યુવાઓ અને યુવતીઓ ફેશન માં પોતાની કારકિર્દી બનાવતા હોય છે અને ફેશન શો ટીવી માં જોઈ ગ્રામ્ય વિસ્તારના લોકો અચરજ પામતા હોય છે પરંતું ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરી વિસ્તાર કરતા વધુ સુંદરતા અને ટેલેન્ટ હોય છે પણ યોગ્ય પ્લેટફોર્મ ન મળતા ગ્રામ્ય વિસ્તારોના યુવાનો યુવતીઓનો ઉત્સાહ સીમિત થઈ જાય છે ત્યારે મનહુડ ઇવેન્ટ દ્વારા રાજપીપળા ખાતે ફેશન શો આયોજન કરતા યુવાનો અને યુવતીઓ માં ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઉત્સાહિત થઈને મોટી સંખ્યામાં નર્મદા,ભરૂચ અને વાલિયામાંથી મોડલિંગમાં રસ ધરાવતા છોકરા છોકરીઓએ ભાગ લીધો હતો જેમાં પોતાનું કિસ્મત આજમાવ્યું હતું.
આ ફેશન શો માં દસ જેટલા છોકરા છોકરીઓની પ્રાથમિક પસંદગી કરાઈ હતી જેમાં ટિકટોક સ્ટાર ડિમ્પલ રાજપૂત સહિત જીયા રાવલ,ઉર્વશી પટેલ અને ભયલું પટેલ સહિતનાઓની પસંદગી કરાઈ હતી આગામી ડિસેમ્બર મહિનામાં સુરત,કોસંબા જેવા અલગ અલગ શહેરોમાં તેઓને આગામી સ્ટેજ માટે બોલાવવામાં આવશે પસંદગી પામેલ યુવાનોએ જણાવ્યું હતું કે તેઓ કોઈ પણ જાતના કલાસ કર્યા વગર યુટ્યૂબ વિડીઓના માધ્યમથી પ્રેકટીસ કરી હતી અને આવનારા દિવસોમાં આનાથી સારું પર્ફોમન્સ કરી નર્મદા જિલ્લાનું નામ રોશન કરશું તેવા જુસ્સા સાથે હવે અત્યારથી જ મેહનેત ચાલુ કરી દીધી છે.

હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોય તેવામાં મનહુડ ઇવેન્ટ દ્વારા સોસીયલ ડિસ્ટન્સ,સેનિટાઈઝર સહિતની સરકારની ગાઈડલાઈનને ને ધ્યાન માં રાખી આ શો નું આયોજન કરવામાં આવ્યું હતું ભાગ લેનાર તમામ ઉત્શુક ઉમેદવારો એ ખુશી વ્યક્ત કરી હતી અને મનહુડ ઇવેન્ટ્સ નો આભાર માન્યો હતો.

(9:25 pm IST)