Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

અમદાવાદ: ગુજકેટ તથા HSC ની યોજાનારી પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્ર સેનેટાઇઝડ કરવા શાળા સંચાલકોને આદેશ કરાયો

કેન્‍દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ મુજબ ઓનલાઇન પરીક્ષા લેવાની છુટ મળતા ગુજરાત યુનિ. પણ ઓનલાઇન પરીક્ષા માટે વિચારશે

અમદાવાદ: કોરોના મહામારીમાં સંક્રમણ ખાળવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાયલની ગાઇડલાઇન મુજબ ઓફ લાઇન પરીક્ષા લેવાનું ટાળવામાં આવે છે. પરિણામ સ્વરુપે જ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટી ( જીટીયુ ) તેમ જ ગુજરાત યુનિવર્સીટી ( જીયુ ) દ્રારા ઓફલાઇન પરીક્ષા રદ કરીને ઓનલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કરવો પડયો હતો.

જો કે તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઓફલાઇન પરીક્ષા લેવાની છૂટછાટ આપી છે. પરિણામ સ્વરુપે હવે ગુજરાત યુનિવર્સીટીએ પણ ઓફલાઇન પરીક્ષા લેવાનું વિચાર્યું છે.

ત્યારે આગામી તા. 24મી ઓગસ્ટના રોજ યોજાનારી ગુજકેટ તથા એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહની તેમ જ ધો.10ની પુરક પરીક્ષા યોજવામાં આવનાર છે.

આ પરીક્ષાઓને લઇને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરની શાળાના સંચાલકો તથા આચાર્યોને પરીક્ષા કેન્દ્રો સેનેટાઇઝ કરાવી દેવાની સૂચના જારી કરી છે.

શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્રારા તા.24મી ઓગસ્ટના રોજ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ( ગુજકેટ )ની પરીક્ષા લેવાના છે.

જયારે એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહની તથા એસએસસીની પુરક પરીક્ષા 25મી ઓગસ્ટના રોજ યોજનારી છે.

જેથી યાદી મુજબની શાળાઓએ કોવીડ 19ની ગાઇડલાઇન મુજબ અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્રારા પરીક્ષા કેન્દ્રો તેમ જ પરીક્ષા ખંડ તેમ જ બેંચ, બારી, બારણાં સેનેટાઇઝ કરવાના થાય છે.

તો તે મુજબની કાર્યવાહી પૂર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર કચેરીએ સુપ્રત કરવાનું રહેશે.

પરીક્ષા પૂર્ણ થયા બાદ ફરીવાર દરેક પરીક્ષા કેન્દ્રો સેનેટાઇઝ કરવના રહેશે.

સેનેટાઇઝેશનની યોગ્ય વ્યવસ્થા કોર્પોરેશનના સંકલનમાં રહીને કરવાની રહેશે.

બીજી તરફ અમદાવાદ જિલ્લા કલેકટરે પણ અમદાવાદ મ્યુનિ. કમિશ્નરને પત્ર લખીને ઉપરોકત બાબતની સૂચના આપી છે.

ડિગ્રી એન્જીનીયરીંગ તથા ડિગ્રી, ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમો માટેની ગુજરાત કોમ એન્ટ્રન્સ ટેસ્ટ ( ગુજકેટ ), એચ.એસ.સી. તથા એસ.એસ.સી.ની તા. 24 અને 25મી ઓગસ્ટના રોજ પૂર્ણ થયા બાદ તા. 25થી 27 ઓગસ્ટ સુધી રીપીટરની પરીક્ષા લેવાનારી હોવાથી દરેક પરીક્ષા કેન્દ્રો સેનેટાઇઝ કરી દેવા તાકીદ કરી છે.

આ ઉપરાંત દરેક પરીક્ષા કેન્દ્ર પર હેલ્થ ટીમ અથવા તો મોબાઇલ વાન હાજર રાખવા પણ સૂચના આપી છે.

(9:36 pm IST)