Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

ગુજરાત ભાજપનો કાર્યકર ધારે તે લક્ષ્‍ય સુધી પહોંચી શકે છે : સી.આર. પાટીલ

ગુજરાતના નાગરિકોને ભાજપ સાથે જોડવાનું અભિયાન ચલાવતા કાર્યકરોને અનુરોધ

અમદાવાદ: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંગઠનની અસરકારક વ્યવસ્થાપન પ્રણાલીથી કોઈપણ ચૂંટણીમાં જીતના માર્જિનમાં મોટા પાયે વધારો થઈ શકે છે. ભાજપનો પ્રત્યેક કાર્યકર કોઈપણ લક્ષ્ય હાંસલ કરવાની ક્ષમતા ધરાવે છે.

આપણે સૌએ સંયુક્ત અને પ્રામાણિક પ્રયાસોથી કાર્ય કરી જૂનાગઢ સહિત રાજયના પ્રત્યેક વિસ્તારમાં, પ્રત્યેક બુથમાં મતદારયાદીના પ્રત્યેક પેજ ઉપર ભાજપનું પ્રભુત્વ સ્થાપિત કરવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણમાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા આજે જનહિતની 400થી વધુ યોજનાઓ કાર્યરત છે. તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા લોકકલ્યાણની અનેકવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ પ્રત્યેક યોજનાનો લાભ ટેકનોલોજીના ઉપયોગ થકી રાજ્યના તમામ લાભાર્થીઓને અપાવવાની ચિંતા કરી, યોગ્ય કાર્યપધ્ધતિ સાથે કાર્ય કરવા ભાજપના પ્રત્યેક કાર્યકર્તાને આહવાન કર્યું હતું.

જૂનાગઢ જિલ્લા ભાજપ સંગઠનને વધુ મજબૂત કરવા બેઠકમા ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને આવશ્યક સૂચનો કરી વિવિધ મુદ્દે છણાવટ કરીને વધુમાં વધુ નાગરિકોને ભાજપની પ્રજાભિમુખ, રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડવા સંગઠનલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.

ગુરુવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસના બીજા દિવસે તેમની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લા સંગઠનના પદાધિકારીઓ અને અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે સંગઠનલક્ષી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયા, રાજ્ય સરકારના મંત્રી જવાહરભાઈ ચાવડા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્યો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જૂનાગઢ જિલ્લા કાર્યાલય પહોંચ્યા પૂર્વે રાજ્ય સરકારનાં પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્ય સાથે શુભેચ્છા મુલાકાત કરી આશીર્વાદ લીધા હતા. સી.આર.પાટીલે સૌરાષ્ટ્ર વિસ્તારના વિવિધ સ્વામિનારાયણ મંદિર તેમજ ગુરુકુળના સંતો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. સૌ સંતોએ પ્રદેશ અધ્યક્ષને આશીર્વચન પાઠવ્યા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે અંતરના આશીર્વાદ આપવા બદલ ધન્યતાની લાગણી સાથે સર્વે સંતોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. બેઠક બાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જુનાગઢ સ્થિત ઐતિહાસિક નરસિંહ મહેતાના ચોરાની મુલાકાત લીધી હતી.

(10:43 pm IST)