Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

અમદાવાદમાંથી ઝડપાયેલ શાર્પશૂટર ઇરફાનને કોરોના વળગતા સોલા સિવિલમાં સારવાર માટે ખસેડાયો

ઇરફાન પર ર૪ કલાક સતત વોચ ગોઠવાઇ છે : હોટેલ પર રેડ પાડનાર ATSના અધિકારીઓનો રિપોર્ટ નેગેટીવ આવતા રાહત

અમદાવાદઃરાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને ભાજપ નેતા ગોરધન ઝડફિયાની હત્યા માટે સોપારી લઈને આવેલા શાર્પ શૂટરને એટીએસની ટીમે રિલીફ રોડ પરની હોટલમાંથી દિલધડક ઓપરેશનમાં પકડી પાડ્યા બાદ શાર્પ શૂટર ઈરફાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. અલાયદા રૂમમાં દાખલ ઇરફાન પર 24 કલાક વોચ રાખવા ત્રણ સિફટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શાર્પ શૂટર પોઝિટિવ આવતા તેને પકડવા ગયેલા ચાર ઉચ્ચ અધિકારીઓના ટેસ્ટ નેગેટિવ આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

શહેરના રિલીફ રોડ પર આવેલી વિનસ હોટલમાંથી ATS અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇરફાન શેખ નામના મુંબઈના શાર્પ શુટરને ઝડપી પાડયો હતો. દાઉદના સાગરિત છોટા શકીલે ઇરફાનને પૂર્વ ગૃહ પ્રધાન ગોરધન ઝડફિયાની હત્યા માટેની સોપારી આપી હતી. આ અંગે એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચને જાણ થતાં તેને પકડી પાડવાનો પ્લાન બનાવ્યો હતો. ઇરફાનની ધરપકડ કરવા આવેલી ટીમ પર ઇરફાને ફાયરિંગ કરતા ભારે ચકચાર મચી ગઇ હતી. જોકે પોલીસ અધિકારીઓએ સમયસૂચકતા વાપરી ઈરફાનને પકડી પાડ્યો હતો.

ધરપકડ બાદ ઇરફાનને ATS ઓફિસ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં ટીમ દ્વારા ઈરફાનની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન એટીએસની ટીમ દ્વારા ઈરફાનનો કોરોનાનો રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. ઇરફાનનો કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવતા તેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.બોક્સ

ઈરફાન નહીં ભાગેડુ સલમાન મુખ્ય શાર્પ શૂટર છે

શાર્પ શૂટર ઈરફાન પાસેથી મળેલા whatsapp ચેટ તથા તેની પૂછપરછ દરમિયાન બહાર આવેલી વિગતો મુજબ સલમાન નામનો શાર્પ શૂટર મુખ્ય હોવાનું સામે આવ્યું છે. ઈરફાનનો ઉપયોગ માત્ર રેકી કરવા માટે થયો હતો. આમ સલમાન મુખ્ય શાર્પ શૂટર હોય અને તે હજુ પોલીસના હાથથી દૂર હોય તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ઈરફાન સલમાનને જાણતો ન હોવાનું રટણ રટી રહ્યો છે. ઈરફાનને હેન્ડલરે સલમાન આવવાનો છે તેમ કહ્યું હતું. આ સિવાય તે કશું જાણતો ન હોવાનું જણાવી રહ્યો છે.

પોલીસ ઇન્વેસ્ટિગેશન હાલ પકડાયેલા ઇરફાન અને વોન્ટેડ સલમાનની આસપાસ ફરે છે. હવે નેધરલેન્ડમાં એક નંબર પર ઇરફાને કમલમ અને ગોરધન ઝડફિયાનો વીડિયો મોકલ્યા છે. ઇરફાને કમલમમાં રેકી કરી હતી. જેમાં કમલમમાં પ્રવેશ ક્યાંથી થાય છે અને બહાર નીકળવાનો રસ્તો કયો છે તથા કયા રસ્તે ઝડપથી બહાર નીકળી શકાય છે તેની રેકી કરી હતી. ઉપરાંત ત્યાંના ફોટો અને વિડીયો પણ લીધા હતા. આ ફોટો અને વિડિયો નેધરલેન્ડના એક નંબર પર વોટ્સએપ કર્યા હતા.

મુંબઈના ચેમ્બુર ખાતે રહેતો ઈરફાન પાર્કિગના કોન્ટ્રાક્ટરને ત્યાં કામ કરતો હતો. અને વાહનચાલકો પાસેથી પાર્કિગ ચાર્જ વસુલતો હોવાનું જણાવ્યું છે. જો કે સત્યતા ચકાસવા માટે તપાસ જારી રાખી છે.

(10:44 pm IST)