Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

સુરતની બાળકી જાનકી કળથિયાએ પ્‍લાઝમાં ડોનર બની માનવતા મહેકાવી : ૧પ દિવસ ફરી પ્‍લાઝમા ડોનેટ કરવાનો સંકલ્‍પ પણ કર્યો

સુરતમાં અત્‍યાર સુધી ૬૯૦ લોકોએ પ્‍લાઝમાં ડોનેટ કર્યા છે

સુરત : કોરોનાની સામેની જંગ લડવા માટે અલગ અલગ ઉપાયો કરવામાં આવી રહ્યા છે. ત્યારે દાતાઓની ભૂમિ સૂરતમાં કોરોના સામે લડવા માટે અનેક લોકો પ્લાઝમા ડોનર બની આગળ આવી રહયા છે. ત્યારે સુરતની 21વર્ષીય જાનકી કળથિયા સૌથી નાની વયની યુવા મહિલા પ્લાઝમા ડોનર બની છે. અત્યાર સુધી સૂરતમાં કુલ 690 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યા છે જેમાં જાનકી કળથિયાએ ત્રીજા નંબરની મહિલા ડોનર બની છે. અગાઉ સિવિલ હોસ્પિટલમાં 27 વર્ષીય ડો.શ્વેતા કુમાર અને 28 વર્ષીય શૈલી મહેતાએ પ્લાઝમાં ડોનેટ કર્યા હતા.

રાજ્યમાં સૌથી વધુ પ્લાઝમા દાન કરવામાં સુરતીઓ અગ્રેસર છે. દરરોજ અનેક લોકો પ્લાઝમા આપી કોરોનાના દર્દીઓને મદદ કરી રહ્યા છે, ત્યારે અઠવાલાઈન્સ સ્થિત બી.આર.સી.એમ. કોલેજમાં બી.બી.એ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી જાનકી કળથિયાએ પણ પ્લાઝમા ડોનેટ કર્યા છે. સાથે જ તેને15 દિવસ બાદ બીજી વાર પ્લાઝમા ડોનેટ કરવાનો પણ તેણે સંકલ્પ કર્યો છે.

મૂળ બોટાદ જિલ્લાના વતની અને હાલ વેડ રોડ સ્થિત કેન્સર હોસ્પિટલ પાસે ન્યાલકરણ સોસાયટીમાં રહેતી જાનકી અશ્વિનભાઈ કળથીયાને પ્લાઝમા દાન માટે તેના મામા મહેશભાઈ ચમારડીએ પ્રેરણા આપી હતી.

મહેશભાઈએ કહ્યું કે, “તાજેતરમાં મારા મિત્ર દર્શનભાઈ સલીયાએ મને એન્ટી બોડી ટેસ્ટ અંગે વિગતો આપીને જણાવ્યું હતું કે કોરોનાના  સામાન્ય લક્ષણો હોય અને સ્વસ્થ થયા બાદ આ ટેસ્ટ કરવાથી આપણે કોરોના સંક્રમિત થયાં હતા કે નહીં, તેમજ શરીરમાં એન્ટીબોડીની હાજરી અંગે ખ્યાલ આવી જાય છે. જો શરીરમાં એન્ટીબોડી બન્યું હોય તો કોરોનાનું ઇન્ફેકશન લાગ્યું હોવાનું સ્પષ્ટ થઈ જાય છે અને વ્યક્તિ પ્લાઝમા પણ ડોનેટ કરી શકે છે. જેથી મેં મારી ભાણેજ જાનકીનો ખાનગી લેબમાં એન્ટી બોડી ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં એન્ટીબોડી હોવાનું માલૂમ પડ્યું હતું. જાનકી પ્લાઝમા ડોનેટ કરવાં ઉત્સાહી હોવાથી અમે સ્મીમેર હોસ્પિટલની બ્લડ બેંકમાં જઈ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સ્મીમેરની પ્લાઝમા બેંકના ડો.અંકિતા શાહ અને સ્ટાફ દ્વારા અમને સંપૂર્ણ સહયોગ આપી મદદરૂપ બન્યા હતા.

જાનકીએ જણાવ્યું હતું કે, ‘તા.૮ જુલાઈએ મને તાવ, શરદી, ઉધરસ જેવાં લક્ષણો જણાયા હતાં. જેથી પડોશમાં રહેતાં જાણીતા ડો.સમીર ગામીની સલાહ મુજબ સિટી સ્કેન કરાવ્યું હતું. પરંતુ સિટી સ્કેનમાં કોરોનાના લક્ષણો હોવાનું સ્પષ્ટ થયું ન હતું. જેથી ડો. સમીર ગામીએ તકેદારીના ભાગરૂપે પાંચ દિવસ હોમ આઈસોલેશનમાં રહેવાં જણાવ્યું હતું. પ્રાથમિક સારવાર બાદ હું સ્વસ્થ થઈ ગઈ હતી.

પ્રથમ ખાનગી લેબમાં એન્ટીબોડી ટેસ્ટ કરાવી ત્યારબાદ પ્લાઝમા ડોનેટ કરવા જ્યારે સ્મીમેરમાં આવી ત્યારે સ્મીમેરની બ્લડ બેંકમાં પણ મારો એન્ટીબોડી ટેસ્ટ કરાયો હતો. જેમાં કોન્વેલેસન્ટ પ્લાઝમાનું પ્રમાણ હોવાથી મેં તા.૧૯મી ઓગસ્ટના રોજ પ્લાઝમાં ડોનેટ કર્યું છે. મારા જેવા કોરોનાના અજ્ઞાત લક્ષણો ધરાવતાં લોકો પણ સ્વસ્થ થઈ શરીરમાં એન્ટીબોડીના આધારે પ્લાઝમા ડોનેટ કરી, કોરોના સામેની લડાઈમાં યોગદાન આપી શકીએ છીએ. મને ગર્વ છે કે હું પણ બે દર્દીઓના જીવન બચાવવામાં સહભાગી થઈ શકીશ.

સુરતમાં 690 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યાઃ

(૧) સ્મીમેર હોસ્પિટલમાં 394 વ્યકિતઓએ ડોનેટ કર્યા
(૨) સિવિલ હોસ્પિટલમાં 170 વ્યકિતઓએ ડોનેટ કર્યા.
(૩) લોક સમર્પણ રકતદાન કેન્દ્રમાં 110 વ્યકિતઓએ ડોનેટ કર્યા
(૪) સુરત રકતદાન કેન્દ્રમાં 16ડોનેટ કર્યા.

(10:42 pm IST)