Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

ગુજરાતભરમાં આજ રાતથી મેઘરાજા ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે

આજે- કાલે મધ્યપ્રદેશમાં ભીષણ વરસાદ પડશે, પુર જેવી સ્થિતિ સર્જાશેઃ દ.રાજસ્થાનમાં પણ દેધનાધનવાળી કરશે : શનિ- રવિ પૂર્વ સૌરાષ્ટ્ર અને કચ્છમાં બેફામ ખાબકશેઃ સ્કાયમેટ

નવી દિલ્હીઃ ગુજરાતભરમાં આજ રાતથી વરસાદનું જોર વધવા લાગશે.  કાલે શનિવારે અને રવિવાર સૌરાષ્ટ્ર- કચ્છમાં બેફામ વરસાદની આગાહી વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે. તો આજે અને આવતીકાલે મધ્યપ્રદેશમાં ભીષણ વરસાદ પડશે. પુર જેવી સ્થિતિ સર્જાશે. જયારે દક્ષિણ રાજસ્થાનમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

બંગાળની ખાડીમાંથી મળી રહેલ એકધારા સપોર્ટના પગલે નેઋત્વનું ચોમાસુ મધ્ય અને ઉત્તર ભારતમાં સક્રીય બન્યું છે અને સક્રીય રહેશે. કારણ કે હાલની સિસ્ટમ્સ ઓડિસ્સા, છતિસગઢ સુધી પહોંચી છે. હવાનું હળવું દબાણ આગળ વધશે ત્યારબાદ તા.૨૩ કે ૨૪ ઓગષ્ટના બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ્સ બનનાર છે. આ મહિનામાં આ પાંચમી સિસ્ટમ્સ ઉદ્દભવશે.

આ વર્ષે જુન અને જુલાઈમાં ઓછી સિસ્ટમ્સ બની હતી. જયારે આ મહિનામાં અત્યાર સુધી ચાર સિસ્ટમ્સ બની ચુકી છે અને પાંચમી સિસ્ટમ્સ બનનાર છે. જેથી આગામી સમયમાં પણ દેશના અનેક ભાગોમાં ચોમાસુ સક્રિય રહેશે. આ મહિનાના અંત સુધીમાં દેશમાં ચોમાસુ સામાન્યથી ૮ ટકાએ પહોંચી જવાની સંભાવના છે.

આગામી બે થી ત્રણ દિવસ મધ્યપ્રદેશથી ગુજરાત સુધી મુશળધાર વરસાદ પડશે. આજે અને આવતીકાલે મધ્યપ્રદેશમાં ભીષણ વરસાદ સાથે પુરની સ્થિતિ પણ ઉદ્દભવી શકે છે. સાથોસાથ દક્ષિણ- પૂર્વ રાજસ્થાન અને ગુજરાતના તમામ વિસ્તારોમાં આજરાતથી વરસાદમાં વધારો થશે અને તા.૨૨ અને ૨૩ના ગુજરાતના પૂર્વ સૌરાષ્ટ્ર અને કચ્છમાં બેફામ વરસાદ પડશે.

આ સિસ્ટમ્સ ગુજરાતમાંથી પસાર થશે તે અગાઉ જ એક સિસ્ટમ્સ બંગાળની ખાડીમાં બની જશે અને ઓડીસ્સા નજીક પહોંચી જશે.

(1:04 pm IST)