Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

અમદાવાદની પોલીસની આખી ફોજના કોરોના ટેસ્ટ કરાવવાનો પોલીસ કમિશ્નરનો નિર્ણય કારગતઃ પ૧ પોલીસ સ્ટાફ પોઝીટીવ

૩ દિવસમાં ૧૩પ૦૦નો ટાર્ગેટ પુર્ણ ન થતા વિશેષ ૩ દિવસ કોરોના ટેસ્ટ ૭૪ સેન્ટરોમાં યથાવત રખાશેઃ સંજય શ્રીવાસ્તવ : મૂળ લક્ષ્યાંક કરતા પ૦ ટકા ટેસ્ટમાં જ રિઝલ્ટ મળ્યું: અજય ચૌધરી દ્વારા તમામને કોરોન્ટાઇન કરાયા

રાજકોટ, તા., ૨૧: કોરોના મહામારીના પ્રગરણથી જ ગુજરાતમાં હોટ સ્પોટ રહેલ અને સંખ્યાબંધ પોલીસ કર્મીઓને કોરોના વાયરસની ઝપટે લેનાર તથા પાંચ જેટલા પોલીસ સ્ટાફના મૃત્યુના પગલે-પગલે લોકો વચ્ચે રહી સતત જેઓને ફરજ બજાવાની છે તેવા સમગ્ર અમદાવાદ શહેરની પોલીસ ફોજના કોરોના ટેસ્ટીંગ કરાવી તેઓના રીપોર્ટ પોઝીટીવ જણાય તો તેમની તાકીદે સારવાર કરી શકાય તે માટેનો ઐતિહાસિક નિર્ણય અમદાવાદ પોલીસ સેનાના સેનાપતિ એવા પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા લેવામાં આવેલ તે સાર્થક પુરવાર થયો છે. ૭પ૦૦ જેટલા પોલીસ સ્ટાફના કોરોના ટેસ્ટ કરાવતા તેમાંથી પ૧ જેટલા પોલીસ સ્ટાફને કોરોનાની અસર હોવાના લક્ષણો બહાર આવતા જ તમામને કોરોન્ટાઇન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

મહાનગરપાલીકા હસ્તકની ૭૪ જેટલી  વિવિધ ડીસ્પેન્સરીઓમાં તબીબો અને નિષ્ણાંત સ્ટાફ મારફત કોરોના ટેસ્ટ કરવાના ૩ દિ'ના અભિયાનમાં પ૦ ટકા ટાર્ગેટ સિધ્ધ થતા પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે હજુ ૩ દિવસ લંબાવવાનો નિર્ણય કર્યો છે. અકિલા સાથેની વાતચીતમાં પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે ઉકત બાબતને સમર્થન આપ્યું છે.  તેઓએ વિશેષમાં જણાવેલ કે અમદાવાદ પોલીસ તંત્રના સ્ટાફને હોસ્પિટલાઇઝ કરવાની  જરૂરીયાત જણાશે તો તે માટેની પણ અમોએ વ્યવસ્થા કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભગીરથસિંહ વી.ગોહીલની નોડલ ઓફીસર તરીકે નિમણુંક કરવામાં આવી છે.

અત્રે યાદ રહે કે વિશાળ સંખ્યામાં પોલીસ ફોજના કોરોના ટેસ્ટ કરાવવાના અભુતપુર્વ કાર્યમાં પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવની સાથે અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશ્નર (એડમન-હેડ કવાર્ટર) અજય ચૌધરી ટીમ પણ કાર્યરત બની છે. તમામ સેન્ટરો, તમામ ડોકટરો, ટેલીફોન નંબર અને સમય સાથેનું અપ ટુ ડેટ પ્લાનીંગ ઘડી કાઢી તેની જાણ પોલીસ મથકો મારફત પોલીસ સ્ટાફને કરવામાં આવી છે. અત્રે યાદ રહે કે કોરોના કાળમાં લોકોને ભયના બદલે ફિલગુડ કરાવવા માટે દેશભરના સુવિખ્યાત ચિત્રકારો દ્વારા જે પ્રયાસો ચાલી રહયા છે તેમાં અજય ચૌધરી પણ સામેલ છે.

(1:04 pm IST)