Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

જમીન વેચાણ માટે 'એનઓસી' આપવા એક અરજી દીઠ રૂ. ર૦ હજારનો ભાવ !!

૧ લાખ ૪૦ હજારની લાંચમાં ઝડપાયેલા વલસાડ જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના કલાર્કની તપાસમાં ધડાકો : લાંચ વગર સાચા કામો પણ ન થતા હોવાની વ્યાપક ફરીયાદના પગલે-પગલે એસીબી વડા કેશવકુમાર દ્વારા રાજયભરના યુનીટોને સક્રિય બનાવાયા

રાજકોટ, તા., ૨૧: લાંચ-રૂશ્વત વિરોધી  બ્યુરો દ્વારા પ્રજાને સરકારના જે ખાતાઓ સાથે રોજ-બરોજનો પનારો છે તેવા સરકારી ખાતાઓ અને અર્ધસરકારી સંસ્થાઓ તથા વિવિધ કેન્દ્રોને લોકોની ફરીયાદ આધારે ખાસ ટાર્ગેટ કરવા એસીબી વડા કેશવકુમાર  દ્વારા ગુજરાતભરના યુનીટોને અપાયેલ આદેશ અંતર્ગત વલસાડના જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના જુનીયર કલાર્ક અશોકભાઇ ગાંડાલાલ ચાવડાને તેમની જ કચેરીના બિલ્ડીંગના નીચેના ભાગેથી ૧ લાખ ૪૦ હજારની લાંચના છટકામાં ઝડપી લેવામાં આવ્યા હતા.

એક જાગૃત ફરીયાદી દ્વારા ૭૩ એએ  પ્રકારની ૨૩ એકર જમીન કે જે અલગ-અલગ ૯ સરવે નંબરોવાળી હતી આ જમીન  વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના તુંમ્બી  ગામે ખરીદ કરવા સંદર્ભે જમીન વેચાણ માટેની પરવાનગી માટે ખેડુતો દ્વારા અલગ-અલગ ૯ અરજી જીલ્લા પંચાયત કચેરી વલસાડમાં કરવામાં આવી હતી.

ઉકત અરજીઓ પૈકી ૭ સર્વે નંબરોની ફાઇલ એનઓસી મેળવવા જીલ્લા પંચાયત દ્વારા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં મોકલાઇ હતી.  ફરીયાદીના આક્ષેપ મુજબ આરોપી દ્વારા પ્રત્યેક ફાઇલના એનઓસી માટે ૨૦ હજાર લેખે ૭ ફાઇલના ૧ લાખ ૪૦ હજારની માંગણી કરવામાં આવી હતી.

જાગૃત ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરીયાદીએ નવસારી એસીબીનો સંપર્ક કરેલ. જે આધારે નવસારી  એસીબી પીઆઇ બી.જે.સરવૈયાએ સુરત એસીબીના મદદનીશ નિયામક એન.પી.ગોહીલના માર્ગશર્દન હેઠળ છટકુ ગોઠવ્યું હતું. સરકારના વિવિધ ખાતાઓ તથા સાચુ કામ હોય તો પણ નાણા આપ્યા વગર કોઇ કામ ન થતા હોવાની વ્યાપક ફરીયાદો સંદર્ભે એસીબી વડા કેશવકુમાર  રણનીતી તૈયાર કરી રહયાનું પણ સુત્રો જણાવે છે.

(1:05 pm IST)